અમદાવાદના દિલ્હી દરવાજા અને કાલુપુર વિસ્તારમાં આવેલા ફટાકડા બજારોમાં દિવાળીની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે ફટાકડાના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થયો છે. ભાવ વધ્યો હોવા છતાં લોકો ખરીદી કરી રહ્યા છે, પરંતુ બજેટ જાળવવા માટે ફટાકડાનો જથ્થો ઘટાડી રહ્યા છે. ગયા વર્ષોની સરખામણીએ આ વખતે ઓછા ફટાકડા ખરીદવાનું વલણ જોવા મળી રહ્યું છે.
બજારમાં આ વર્ષે પરંપરાગત ફટાકડા જેવા કે તારામંડળ, કોઠી અને મરચી બોમ્બની સાથે હેલોવીન બોમ્બ, ડ્રોન બોમ્બ અને કેટરપિલર જેવા નવા પ્રકારના ફટાકડાની માંગ વધી છે. ખાસ કરીને બાળકોમાં માચીસ ગન અને થ્રો બોમ્બ પ્રત્યે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
અમદાવાદની બજારોમાં ફટાકડા મુખ્યત્વે તામિલનાડુના શિવાકાશી અને ઉત્તર પ્રદેશથી આવે છે. છેલ્લા બે વર્ષથી ઓછું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ કરતા 'ગ્રીન ક્રેકર્સ'ની માંગ વધી છે. જોકે, ગ્રાહકોમાં એવી ચર્ચા પણ છે કે ગ્રીન ક્રેકર્સના નામે સામાન્ય ફટાકડા વધુ કિંમતે વેચાઈ રહ્યા છે.