દિવાળી પહેલાં અમદાવાદ પોલીસે ફટાકડાના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં ફટાકડા ઉત્પાદન માટે અગાઉ છ પરવાના હતા, જે બધા રામોલ વિસ્તારમાં આવેલા એકમોના હતા. હવે આ છમાંથી ચાર એકમોના લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયા છે અને બે એકમોના પરવાના મોકૂફ રખાયા છે. એટલે કે અમદાવાદ શહેરમાં હાલ ફટાકડા બનાવવાની એક પણ મંજૂરી બાકી નથી.
વેચાણના પરવાના અંગે પોલીસે જણાવ્યું કે શહેરમાં કુલ 145 કાયમી વેચાણ પરવાના હતા. તેમાંથી 105 લાયસન્સ રિન્યૂ કરાયા છે. નિયમોનું ઉલ્લંઘન કરતા 9 લાયસન્સ રદ અને 7 મોકૂફ કરાયા છે. બાકી રહેલા 24 પૈકી 7 પરવાનાની પ્રક્રિયા ફાયર બ્રિગેડ સહિતની એજન્સીઓના અભિપ્રાય હેઠળ ચાલુ છે. જે દુકાનદારોએ નિયમ મુજબનું બાંધકામ કર્યું નથી તેવું સામે આવતાં 17 વેપારીઓને લાયસન્સ રદ કરવા અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
તહેવારો દરમિયાન હંગામી ધોરણે વેચાણ માટે 30 દિવસની મુદતના લાયસન્સ અપાય છે. અત્યાર સુધીમાં આવી 96 અરજીઓ આવી છે, જેમાંથી સંબંધિત પોલીસ મથકોના હકારાત્મક અભિપ્રાય બાદ 14 લાયસન્સ મંજૂર કરાયા છે. બાકીની અરજીઓ અને મંગળવારે આવેલી નવી ત્રણ અરજીઓ પર સ્થાનિક પોલીસ સ્ટેશનનો રિપોર્ટ આવતાં જ ત્વરિત નિર્ણય લેવાશે.
ફટાકડાના વેચાણ વખતે બે દુકાનો વચ્ચે ઓછામાં ઓછું 15 મીટરનું અંતર રાખવું ફરજિયાત છે. તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના વિસ્તારમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ ન થાય તે માટે દુકાનોનું નિયમિત અને આકસ્મિક ચેકિંગ કરવાના કડક આદેશ પણ આપવામાં આવ્યા છે.