અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલા સામે લાંચના આરોપમાં એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ તપાસ શરૂ કરી છે. રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે.
ACBની તપાસમાં ભાવસિંહ ઝાલાના બેંક ખાતામાંથી શંકાસ્પદ રીતે 23 લાખ રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે. આ નાણાં ફાયર સેફ્ટી ઓફિસરો (FSO) પાસેથી લાંચ તરીકે લેવામાં આવતા હતા. ખાસ વાત એ છે કે, ભાવસિંહ માત્ર QR કોડ દ્વારા જ પેમેન્ટ મેળવતો હતો, જેથી પૈસા તરત જ તેના ખાતામાં જમા થઈ જાય.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે કોઈ પણ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટાળતા હતા. ડિજિટલ પુરાવા ન બને તે માટે તેઓ ભાવસિંહ પાસેથી ફક્ત રોકડમાં જ પૈસા લેતા હતા. ભાવસિંહ QR કોડથી નાણાં મેળવ્યા બાદ બેંક કે ATMમાંથી રોકડ ઉપાડીને સીધા અમિતને પહોંચાડતો હતો.
આ લાંચ રેકેટમાં NOC રિન્યુઅલ માટે અલગ-અલગ દરો નક્કી કરવામાં આવ્યા હતા. જનરલ NOC રિન્યુઅલ માટે 6,500 રૂપિયા, એડવાન્સ NOC રિન્યુઅલ માટે 10,000 રૂપિયા અને સ્પેશિયાલિસ્ટ NOC રિન્યુઅલ માટે 25,000 રૂપિયા સુધીનું કમિશન ભાવસિંહ લેતો હતો. જો કોઈ FSO કમિશન આપવાનો ઇનકાર કરે તો તેની NOC રિન્યુઅલ અટકાવી દેવામાં આવતી હતી.
આ કેસમાં ACBને મજબૂત ડિજિટલ પુરાવા મળ્યા છે. બેંકિંગ વ્યવહારો ડિજિટલ હોવાથી કોણે, ક્યારે અને કેટલી રકમ મોકલી તેનો સ્પષ્ટ ટ્રેક ACBને મળી ગયો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ પુરાવા કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.