અમદાવાદમાં ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમમાં મોટો ટેકનોલોજીકલ બદલાવ આવવા જઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત ફાયર વિભાગની 100 જેટલી ગાડીઓને GPS ટ્રેકરથી સજ્જ કરીને નેશનલ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 112 સાથે જોડવામાં આવી છે. આ નવી સિસ્ટમનો એક-બે દિવસમાં સત્તાવાર રીતે અમલ શરૂ થશે.
નવી સિસ્ટમથી આગ કે અન્ય કોઈ હોનારત સમયે ફાયર ફાઈટરની ગાડી ઘટનાસ્થળે પહોંચવાનો સમય ઘટશે. અગાઉ 101 કે 112 પર આવતા કોલને ફાયર કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરીને વાહનો રવાના કરવામાં કિંમતી મિનિટો વેડફાઈ જતી હતી. હવે 112 કંટ્રોલ રૂમની સ્ક્રીન પર જ ઘટનાસ્થળથી સૌથી નજીક રહેલા વાહનની લાઈવ પોઝિશન દેખાશે અને કોલ આવતાની સાથે જ નજીકના ફાયર ટેન્ડરના ડ્રાઈવરના ટેબ્લેટ પર લોકેશન, નેવિગેશન અને સૌથી ટૂંકા રસ્તાનો મેસેજ પહોંચી જશે. પરિણામે, ફાયર સ્ટેશનથી ગાડી રવાના થાય તેની રાહ જોવાને બદલે રસ્તા પર ગસ્ત લગાવી રહેલું વાહન પણ સીધું જ ઘટનાસ્થળે રવાના થઈ શકશે.
આ સિસ્ટમના સફળ અમલીકરણ બાદ હવે આવનારા દિવસોમાં જૂનો 101 નંબર પણ સંપૂર્ણપણે 112 પર ડાયવર્ટ કરી દેવાશે.
અમદાવાદ ફાયર વિભાગના વાહનોની આગળ 360 ડિગ્રી કેમેરો અને પાછળ એક કેમેરો લગાવીને વાહનોને સજ્જ કરવામાં આવ્યા છે. આ હાઈટેક કેમેરા ટેક્નોલોજીના કારણે ફાયરની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચશે, ત્યારે પાલડી સ્થિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી સમગ્ર પરિસ્થિતિનું રિયલ-ટાઇમ નિરીક્ષણ કરી શકાશે. સ્થળ પર આગ કેટલી વિકરાળ છે, કેમિકલની છે કે સામાન્ય છે અને બચાવ કામગીરી માટે વધારાના સાધનોની જરૂર છે કે નહીં, તે કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ લાઈવ ફૂટેજ જોઈને જાણી શકશે. જો પરિસ્થિતિ ગંભીર જણાશે તો લાઈવ વિઝ્યુઅલ્સના આધારે પાલડી કંટ્રોલ રૂમથી જ તાત્કાલિક વધારાના વોટર ટેન્ડર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ કે એમ્બ્યુલન્સ જેવાં વાહનો મોકલવાનું ઝડપી આયોજન ગોઠવવામાં આવ્યું છે.
આખી સિસ્ટમ કઈ રીતે કામ કરશે? 112 પર કોલ કરતાં જ કંટ્રોલ રૂમની સ્ક્રીન પર બનાવનું લોકેશન અને તેની આસપાસ ગસ્ત લગાવી રહેલા કે સ્ટેશન પર ઊભેલા તમામ ફાયર વાહનોનું GPS લાઈવ દેખાશે. ફાયર વાહનમાં આપવામાં આવેલા ટેબ્લેટમાં ડ્રાઈવરે લોગઈન કરવાનું રહેશે. કોલ મળતાં જ 112 કંટ્રોલ રૂમ દ્વારા બનાવના સ્થળથી સૌથી નજીક રહેલા વાહનના ડ્રાઈવરના ટેબ્લેટ પર તાત્કાલિક સંદેશો અને ઘટનાસ્થળનો સંપૂર્ણ ડેટા મોકલવામાં આવશે. ટેબ્લેટમાં એલર્ટ આવતાની સાથે જ તેમાં સ્થળનું સરનામું, પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો અને લાઈવ GPS નેવિગેશન સ્ક્રીન પર ઊઘડી જશે. ગાડી સ્થળ પર પહોંચતા જ 360 ડિગ્રી અને રિયર કેમેરાના લાઈવ ફીડ દ્વારા કંટ્રોલ રૂમને સ્થિતિની સંપૂર્ણ માહિતી મળશે.