અમદાવાદમાં 31 વર્ષીય મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI)એ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અને શારીરિક તથા માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 2023માં લગ્ન થયા બાદ બીજા જ દિવસથી પતિ, સાસુ, સસરા અને નણંદે દહેજ માટે પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
ફરિયાદમાં જણાવાયું છે કે તેમના પતિ રોજ દારૂ પીતો હતો અને અકુદરતી સંબંધો માટે દબાણ કરતો હતો. જ્યારે તે નિષ્ફળ જતો ત્યારે પત્ની સાથે મારઝૂડ કરી ક્રૂર વર્તન કરતો હતો.
મહિલા અધિકારીએ જણાવ્યું કે ઘરની આર્થિક જવાબદારી તે પોતે ઉપાડતા હતા, છતાં તેમને માનસિક શાંતિ ન હતી. નોકરીના કારણે તેમણે રસોઈ માટે એક બહેન રાખ્યા હતા, પરંતુ સાસુએ ઝઘડો કરીને તેમને કાઢી મૂક્યા હતા અને PIની ગેરહાજરીમાં તિજોરીનો સામાન વેરવિખેર કરી નાખતા હતા.
નણંદ બેંક ક્લાર્ક હોવાથી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને PIની જાણ બહાર તેમના બેંક ખાતાની માહિતી મેળવતી હતી. આ ઉપરાંત, વીમા પોલિસીમાં પિતાનું નામ દાખલ કરાવવા બાબતે પણ પતિ દ્વારા ઝઘડો કરવામાં આવતો હતો અને પત્ની પર નોકરી છોડી દેવા માટે સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું.
પતિએ એક વખત 6 થી 7 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરી છૂટાછેડાની ધમકી આપી હતી. આશરે 1.5 વર્ષ પહેલાં પતિ રાજસ્થાન જવા નીકળ્યો હતો અને ત્યાંથી ઉત્તર પ્રદેશમાં મિત્રના લગ્નમાં જવાનું કહીને ગયો તે પછી ઘરે પાછો ફર્યો ન હતો. પતિએ દૂર રહીને પણ મકાન માલિકને ઉશ્કેર્યા હતા, જેના કારણે મહિલા PIએ ભાડાનું મકાન ખાલી કરવું પડ્યું હતું.
આ તમામ અત્યાચારોથી કંટાળીને મહિલા અધિકારીએ કાયદાકીય પગલાં ભર્યા છે. મહિલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.