સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: દિવાળી પહેલાં ફરસાણમાં કેમિકલ ડાઈ, દાણીલીમડાનો ગૃહ ઉદ્યોગ સીલ

અમદાવાદ: દિવાળી પહેલાં ફરસાણમાં કેમિકલ ડાઈ, દાણીલીમડાનો ગૃહ ઉદ્યોગ સીલ

અમદાવાદમાં તહેવારોની સીઝન શરૂ થતાં જ ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય થઈ ગયું છે. દાણીલીમડા વિસ્તારમાં આવેલા ગુડલક એસ્ટેટમાં એ.એન. નામના ગૃહ ઉદ્યોગ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 1,010 કિલો ફરસાણનો જથ્થો સ્થગિત કરાયો છે.

ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું કે આ ગૃહ ઉદ્યોગમાં ગંદકી વચ્ચે ફરસાણ બનાવવામાં આવતું હતું. ફરસાણમાં નોન-પરમિટેડ કલર એટલે કે હાનિકારક કેમિકલ ડાઈ વપરાતી હતી. ઉપરાંત એક જ તેલને વારંવાર ગરમ કરીને તેમાં ફરસાણ તળવામાં આવતું હતું, જેનાથી તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ (TPC)નું પ્રમાણ નિયમિત કરતાં વધી ગયું હતું.

દરોડા દરમિયાન જાણવા મળ્યું કે કારીગરોએ હેરકવર કે એપ્રન પહેર્યા નહોતા. પેકેટ પર યોગ્ય લેબલિંગ પણ કરવામાં આવતું નહોતું. આ બધા નિયમોના ભંગ બદલ ગૃહ ઉદ્યોગને સીલ કરી દેવામાં આવ્યો હતો. સ્થગિત કરાયેલા જથ્થામાં મેંદો, મસાલા સિંગ, ઝીણી સેવ, ફરસી પુરી વગેરેનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ગઈકાલે જ દાણીલીમડામાં નકલી ટોમેટો સોસ પકડાયો હતો. આ પહેલાં પણ ઘણી વખત ફૂડ વિભાગે તહેવારો દરમિયાન આવા દરોડા પાડ્યા છે. સેવ, ગાંઠિયા, બુંદી, પુરી જેવા ફરસાણમાં રંગ નિખારવા માટે સસ્તા કેમિકલ રંગોનો ઉપયોગ થાય છે. આ રંગો લાંબા ગાળે કિડની અને લિવરને નુકસાન પહોંચાડે છે. વારંવાર ગરમ કરેલા તેલથી કોલેસ્ટ્રોલ વધે છે અને હૃદય રોગનું જોખમ પણ વધે છે.

ફૂડ વિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં દબાણ વધ્યું છે. ગ્રાહકોએ પણ ફરસાણ ખરીદતી વખતે લેબલ અને ગુણવત્તા ચકાસવી જોઈએ, એમ અધિકારીઓએ જણાવ્યું છે.