સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નકલી ટોમેટો સોસનું કારખાનું ઝડપાયું, 2,000 કિલો જથ્થો જપ્ત

અમદાવાદમાં નકલી ટોમેટો સોસનું કારખાનું ઝડપાયું, 2,000 કિલો જથ્થો જપ્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે દાણીલીમડા-પીરાણા રોડ પર એક કારખાનામાં દરોડો પાડ્યો છે. આ કારખાનામાં લાયસન્સ વગર અસ્વચ્છ સ્થિતિમાં નકલી અને હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવવામાં આવતો હતો. ફૂડ વિભાગે સ્થળ પરથી 2,000 કિલો જેટલો કાચો માલ અને તૈયાર સોસનો જથ્થો જપ્ત કરીને આખી જગ્યાને સીલ કરી દીધી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, બહેરામપુરા વિસ્તારમાં સેન્ડવીચ અને બર્ગરમાં વપરાતા ટોમેટો સોસના યુનિટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન સોસ બનાવવા માટે ટામેટાંના બદલે બટાકાનો પાવડર અને હાનિકારક એસિડિક કલર સહિતની કેમિકલવાળી ચીજોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત સોસ બનાવવાની જગ્યાએ અત્યંત ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી.

ફૂડ વિભાગની પૂછપરછમાં સામે આવ્યું કે સંચાલકો પાસે આ જગ્યાનું કોઈ લાયસન્સ નહોતું. જે નામે લાયસન્સ દર્શાવવામાં આવતું હતું તે સરનામું પણ ખોટું નીકળ્યું હતું. આમ, કોઈપણ જાતના માન્ય લાયસન્સ વગર ગેરકાયદે રીતે અતિ હલકી ગુણવત્તાનો 'ટેસ્ટી સ્નેક્સ કેચઅપ' નામે સોસ બનાવીને અલગ-અલગ દુકાનો અને ખાણીપીણીની લારીઓ પર વેચાણ કરવામાં આવતું હતું. ફૂડ વિભાગે ખરીદ-વેચાણના બિલ માંગતા સંચાલકો કોઈ બિલ રજૂ કરી શક્યા નહોતા.

સ્થળ પરથી ફૂડ વિભાગની ટીમે બે હજાર કિલો જેટલો કાચો માલ અને તૈયાર સોસનો જથ્થો કબજે કર્યો છે. ફૂડ વિભાગે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે યુનિટને સીલ કરી દીધું છે અને જપ્ત કરાયેલા તમામ અખાદ્ય જથ્થાના સેમ્પલ લઈને તેને નાશ કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.