સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં બોગસ રાજકીય પાર્ટી દ્વારા રૂ. 155 કરોડની કરચોરી, CIDમાં ગુનો

અમદાવાદમાં બોગસ રાજકીય પાર્ટી દ્વારા રૂ. 155 કરોડની કરચોરી, CIDમાં ગુનો

અમદાવાદના નરોડા રોડ પર 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી' નામની બોગસ રાજકીય પાર્ટી બનાવીને રૂ. 519 કરોડના નકલી દાન મેળવીને રૂ. 155 કરોડની કરચોરી કરવાનો કૌભાંડ ઉજાગર થયો છે. આયકર વિભાગની ફરિયાદના આધારે CID ક્રાઇમ ગાંધીનગરમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આયકર ભવનના આસિસ્ટન્ટ ડિરેક્ટર મુક્તેન્દ્રકુમાર શતીશકુમારની ફરિયાદ મુજબ, આ પાર્ટીનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. દસ્તાવેજી રેકોર્ડ પ્રમાણે પાર્ટીનું સરનામું દુકાન નં. 2, મહાવીર નગર, કલ્યાણ મિલ સામે, ચેતના હોટલની બાજુમાં, નરોડા રોડ, સૈજપુર બોઘા, અમદાવાદ - 382345 દર્શાવવામાં આવ્યું છે. જોકે, આ સરનામે પાર્ટીની કોઈ ઓફિસ, સ્ટાફ કે રાજકીય પ્રવૃત્તિ જોવા મળી નથી.

આરોપીઓએ માત્ર કાગળ પર પાર્ટી ઊભી કરીને મોટા કરદાતાઓ પાસેથી બેંક દ્વારા દાન મેળવ્યું અને કલમ 80GGC હેઠળ 100% મુક્તિ અપાવી. બાદમાં આ નાણાં 'જય ટ્રેડિંગ કંપની' નામની શેલ પેઢીમાં ટ્રાન્સફર કરી, રોકડ ઉપાડીને કમિશન કાપીને દાતાઓને કેશબેક સ્વરૂપે પરત આપવામાં આવતા હતા. આ ષડયંત્ર ટેક્સ ચોરી અને 8% થી 9% કમિશન કમાવવાના હેતુથી રચાયું હતું.

કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓમાં સુરેન્દ્ર પરસોતમપ્રકાશ તિવારી (રાષ્ટ્રીય અધ્યક્ષ), મેહુલકુમાર મહેશકુમાર ખત્રી (ટેક્સ કન્સલ્ટન્ટ) અને મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો સમાવેશ થાય છે. તિવારી પક્ષના કર્તાહર્તા તરીકે બેંક ખાતા અને હવાલા ઓપરેટ કરતા હતા, ખત્રી દાન મેળવવા અને શેલ એકમોમાં નાણાં ટ્રાન્સફર કરવાનું મધ્યસ્થી કામ કરતા હતા, જ્યારે રાઠોડે ભૌતિક કે હિસાબી ચકાસણી વિના ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ પ્રમાણિત કરીને ચૂંટણી પંચમાં ફોર્મ 24A રજૂ કર્યું હતું.

પીઆઈ કલ્પેશકુમાર પટેલ આ સમગ્ર કૌભાંડની તપાસ ચલાવી રહ્યા છે.