અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટેશન પાસેની મોબાઈલ માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીના નકલી મોબાઈલ ફોન વેચાતા હોવાનું ઝડપાયું છે. એલસીબી ઝોન-6ની ટીમે દરોડો પાડીને 1,034 નકલી ફોન, લેપટોપ અને એસેસરીઝ સહિત કુલ રૂ. 7,07,270નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાગડાપીઠ પોલીસે 14 વેપારીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસને માહિતી મળી હતી કે ગીતામંદિર માર્કેટમાં ગ્રાહકોને છેતરીને નકલી મોબાઈલ વેચવામાં આવે છે. એલસીબી ઝોન-6ની ટીમે જાણવા જોગ કાર્યવાહી હેઠળ તપાસ શરૂ કરી. આ દરમિયાન ગુરુગ્રામની રિએક્ટ ઈન્ડિયા પ્રા. લી. અને દિલ્હીની અસ્વથ લીગલ વતી બ્રાન્ડેડ કંપનીના અધિકૃત પ્રતિનિધિ તરીકે સીનિયર એસોસિએટ સૌરભકુમાર રાજેશ્વરી પાંડેયને બોલાવીને તપાસ કરાવવામાં આવી.
તપાસમાં બધા જ સેમસંગ મોબાઈલ ફોન બનાવટી હોવાનું અને કંપનીની મંજૂરી વગર તેના ટ્રેડમાર્ક-લોગોનો દુરુપયોગ કરીને ગ્રાહકોને અસલી તરીકે પધરાવાતા હોવાનું સ્પષ્ટ થયું. પોલીસે ગીતામંદિર માર્કેટની ભોલેનાથ મોબાઈલ અને મહાવીર મોબાઈલ સહિતની દુકાનોમાંથી અંગઝડતી અને દુકાન-ગોડાઉનમાંથી બિલ વગરના 1,034 મોબાઈલ ફોન (કિંમત રૂ. 6,61,870), એચપી લેપટોપ (રૂ. 12,000), ચાર્જર (રૂ. 3,000), બેટરી (રૂ. 28,850) અને મોબાઈલ બોડી (રૂ. 1,100) મળીને કુલ રૂ. 7,07,270નો મુદ્દામાલ જપ્ત કર્યો.
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ કાલુપુર રિલીફ રોડ સ્થિત રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝાના હોલસેલ વેપારીઓ પાસેથી કોઈ પણ બિલ વગર આ નકલી માલ ખરીદીને લાવ્યા હતા. કાગડાપીઠ પોલીસે ટ્રેડમાર્ક્સ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
જે વેપારીઓ સામે ગુનો નોંધાયો છે તેમાં ગીતામંદિર માર્કેટના રમેશ સોલંકી (કુબેરનગર), જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભુરારામ પ્રજાપતિ (સારંગપુર), રવીન્દ્રકુમાર ઉર્ફે રવિ લક્ષ્મણરાવ છીપા (ખાડિયા), રૂપારામ થાનાજી ચૌધરી (ઓઢવ), દીનેશકુમાર મઘારામ ઘાંચી (ખાડિયા) અને મહેન્દ્ર મોદી (ખાડિયા)નો સમાવેશ થાય છે. કાલુપુર રિલીફ રોડના સપ્લાયર્સ અશોક, ભઈલુ, વિવેક (કેસરીનંદન), ગોપી, કુલદીપ, રાજુ (આરએસબી ટ્રેડર્સ), પ્રવિણ અને દર્શન (શિવાય કોમ્યુનિકેશન) સામે પણ ગુનો નોંધાયો છે.