સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ગીતા મંદિર માર્કેટમાં નકલી મોબાઇલનો દરોડો, 6 વેપારી સામે ગુનો

અમદાવાદના ગીતા મંદિર માર્કેટમાં નકલી મોબાઇલનો દરોડો, 6 વેપારી સામે ગુનો

અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસેના માર્કેટમાં નકલી મોબાઇલ ફોન વેચાતા હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસ અને એલસીબી ઝોન-6એ સંયુક્ત રીતે દરોડા પાડીને સેમસંગ, નોકિયા અને જિયો જેવી જાણીતી બ્રાન્ડના નામે વેચાતા નકલી કીપેડ મોબાઇલ ફોન કબજે કર્યા છે.

રાજ કોમ્પ્લેક્ષ અને મેટ્રો પ્લાઝાની દુકાનોમાંથી નકલી લોગોવાળી મોબાઇલ એસેસરીઝ અને બિલ વગરના શંકાસ્પદ મોબાઇલનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન કુલ 1,034 મોબાઇલ ફોન, લેપટોપ, ચાર્જર, બેટરી અને કવર સહિત અંદાજે 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ તપાસ માટે જપ્ત કર્યો છે. સેમસંગ કંપનીના અધિકૃત પ્રતિનિધિએ તપાસ કરતાં જપ્ત કરાયેલી તમામ એસેસરીઝ ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે.

આ મામલે રમેશ સોલંકી, જિતેન્દ્ર પ્રજાપતિ, રવિન્દ્ર કુમાર છીપા, રૂપારામ ચૌધરી, દિનેશકુમાર ઘાંચી અને મહેન્દ્ર મોદી સહિત છ વ્યક્તિઓ સામે ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે હવે આ નકલી માલના વેપાર સાથે સંકળાયેલા અન્ય સપ્લાયર્સ અને મોટા નેટવર્કની શોધખોળ શરૂ કરી છે. આ કાર્યવાહીથી શહેરમાં ચાલતા નકલી માલના વેપાર અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.