અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે નકલી દારૂના કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી સમીરખાન ઉર્ફે એસ.કે. બાપુ સસ્તા વિદેશી દારૂને બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલોમાં ભરીને મોંઘા ભાવે વેચતો હતો.
પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપીના ઘરે દરોડો પાડતાં 174 સીલબંધ બ્રાન્ડેડ દારૂની બોટલો અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા. સાથે બોટલો, સ્ટીકરો, રોકડ, વજન કાંટો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે ગ્રાહકો પાસેથી દારૂની મૂળ કિંમત કરતાં પાંચથી દસ ગણી વધુ રકમ વસૂલતો હતો. ક્રાઈમ બ્રાન્ચે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ વેજલપુરમાં પ્રોહિબિશન કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. હવે પોલીસ આ નકલી દારૂના નેટવર્કનું કનેક્શન ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.