સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: માધુપુરા માર્કેટની એક દુકાનના ઘીના 5 સેમ્પલ ફેલ, AMCની કાર્યવાહી

અમદાવાદ: માધુપુરા માર્કેટની એક દુકાનના ઘીના 5 સેમ્પલ ફેલ, AMCની કાર્યવાહી

અમદાવાઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગે નકલી અને હલકી ગુણવત્તાવાળું ઘી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. માધુપુરા માર્કેટમાં આવેલી એચ.પી. ફૂડ્સ નામની એક જ દુકાનમાંથી લેવામાં આવેલા વિવિધ બ્રાન્ડના ઘીના પાંચ સેમ્પલ ફેલ થયા છે. તપાસમાં આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં તંત્રએ વેપારી સામે કાર્યવાહી હાથ ધરી છે.

મનપાના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ એકમો પર દરોડા પાડીને ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન અનેક બ્રાન્ડના ઘીના સેમ્પલ હલકી ગુણવત્તાવાળા હોવાનું સામે આવ્યું છે. વેપારી દ્વારા અલગ-અલગ બ્રાન્ડના ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.

બીજી તરફ, દુકાનદારોનું કહેવું છે કે તેઓ સંબંધિત બ્રાન્ડ પાસેથી ઘી ખરીદીને તેનું વેચાણ કરે છે, પોતે ઘીનું ઉત્પાદન કરતા નથી. આવી સ્થિતિમાં જો કોઈ બ્રાન્ડનું ઘી હલકી ગુણવત્તાવાળું સાબિત થાય છે, તો માત્ર દુકાનદારો સામે કાર્યવાહી કરવાને બદલે ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી વેપારીઓની માંગ છે. આ મુદ્દે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો ઉત્પાદન જ હલકી ગુણવત્તાનું હોય તો તેની જવાબદારી ઉત્પાદકની પણ નક્કી થવી જોઈએ.

મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે બ્રાન્ડના ઘીના સેમ્પલ હલકી ગુણવત્તાવાળા સાબિત થયા છે, તેમની ફેક્ટરીઓ સુધી પણ ટીમ પહોંચી છે. સંબંધિત ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાની કાર્યવાહી બાદ હવે ઘીના ઉત્પાદનથી લઈને તેના વેચાણ સુધીની સમગ્ર ચેઇન પર તંત્રની નજર રહેશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.