સત્ય. સાહસ. સંકલ્પ.

AI થી નકલી ગરબા પાસ: અમદાવાદમાં 20 ગરબાના 600થી વધુ ડુપ્લીકેટ પાસ વેચાયા, બે આરોપી ઝડપાયા

AI થી નકલી ગરબા પાસ: અમદાવાદમાં 20 ગરબાના 600થી વધુ ડુપ્લીકેટ પાસ વેચાયા, બે આરોપી ઝડપાયા

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન નામાંકિત ગરબાઓના નકલી પાસ બનાવીને વેચવાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના બે શખસોએ AI ટેક્નોલોજીની મદદથી અમદાવાદના 20થી વધુ ગરબાઓના 600થી વધુ ડુપ્લીકેટ પાસ બનાવીને લાખો રૂપિયાની કમાણી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી વીર રાજપૂત અને તેના મિત્ર કિશન રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ ઇન્સ્ટાગ્રામ પર 'વીર રાજપૂત' નામના એકાઉન્ટ પરથી અમદાવાદના વિવિધ ગરબાઓના પાસ ડિસ્કાઉન્ટમાં આપવાની જાહેરાત કરી હતી. મેટા એડની મદદથી અમદાવાદના ખેલૈયાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ખેલૈયાઓએ પણ સસ્તા ભાવે પાસ મળતા હોંશે હોંશે ખરીદી લીધા, પરંતુ ગરબા સ્થળ પર પહોંચતા પાસ ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું. આથી નિરાશ થઈને તેમને પરત ફરવું પડ્યું.

ખેલૈયાઓની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ ટીમે તપાસ શરૂ કરી. અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અને સાયબર ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદોના આધારે તપાસ કરતાં નકલી પાસનું કનેક્શન રાજસ્થાન સુધી પહોંચ્યું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી અગાઉ 'પિંક બટરફ્લાય' નામના ગરબા માટે કામ કરતો હતો, જ્યાં તેણે 35,000 રૂપિયાનું ફ્રોડ કર્યું હતું. જોકે, બાદમાં પૈસા ચૂકવી દેતાં તેની સામે ફરિયાદ નોંધાઈ નહોતી. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી વખતે તેણે નકલી પાસ બનાવવાની કળા શીખી લીધી હતી. નવરાત્રિ પહેલાં જ તે રાજસ્થાન પહોંચી ગયો અને નકલી પાસ બનાવવાનું શરૂ કર્યું.

આરોપીની કાર્યપદ્ધતિ એવી હતી કે તે અમદાવાદમાં યોજાતા નામાંકિત ગરબાઓની અધિકૃત વેબસાઇટ પર જઈને ત્યાંથી લાઇવ તસવીરો કોપી કરી લેતો. ત્યારબાદ ચેટજીપીટીની મદદથી તેના પર ક્યુઆર કોડ મૂકીને પાસ તૈયાર કરતો. પાસ ખરીદનારને શંકા ન પડે તે માટે તે સંબંધિત ઇવેન્ટના નામ સાથે મેળ ખાતું નકલી ઈમેલ આઈડી પણ બનાવી લેતો. બાદમાં મેટા એડ દ્વારા અમદાવાદના ઓડિયન્સને ટાર્ગેટ કરીને 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરીને પાસ વેચી નાખતો.

પોલીસની હાજરીમાં જ આરોપીએ ચેટજીપીટીની મદદથી ડુપ્લીકેટ પાસ બનાવીને ડેમો આપ્યો હતો. તેણે 'આફ્ટર 11.59', 'મંડપમ ચોકના ગરબા', 'ઓફ બીટ', 'વનરાત્રિ', 'રંગ મોરલો', 'રાતલડી', 'એમ્સ રાત્રી', 'ઇનર સર્કલ', 'પંચમના ગરબા', 'અનંત એક્સપિરિયન્સ' અને 'સફેદ પરિંદે' સહિત વિવિધ ગરબાઓના નકલી પાસ બનાવીને વેચ્યા હતા.