સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નવરાત્રિમાં નકલી ગરબા પાસનું રેકેટ: ઇન્સ્ટાગ્રામ પર 25 પાસ વેચાયા, 5 લોકો છેતરાયા

અમદાવાદમાં નવરાત્રિમાં નકલી ગરબા પાસનું રેકેટ: ઇન્સ્ટાગ્રામ પર 25 પાસ વેચાયા, 5 લોકો છેતરાયા

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ગરબા પ્રેમીઓ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર એક ખાતું ઇવેન્ટ આયોજક કંપનીના નામ અને લોગોનો દુરુપયોગ કરીને લગભગ 25 મોટા ગરબાના નકલી પાસ સસ્તા ભાવે વેચી રહ્યું હતું. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે ફરિયાદ નોંધી છે. પ્રાથમિક તપાસમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઠગાઈનો ભોગ બન્યા હોવાનું જણાયું છે, જ્યારે મુખ્ય આરોપી ગુજરાત બહારનો હોવાની શંકા છે.

પોલીસને મળેલી માહિતી મુજબ, ‘veer.rajjputtt’ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ગરબા ઇવેન્ટનું આયોજન કરતી કંપનીના નામ અને લોગોનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ ભાવે પાસ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ‘નવરાત્રિ ગરબા પાસ અવેલેબલ’ શીર્ષક હેઠળની પોસ્ટમાં લગભગ 25 મોટા ગરબા ઇવેન્ટ્સના પાસ સસ્તા ભાવે અને બલ્ક ઓર્ડર પર વિશેષ છૂટ સાથે મળવાનો દાવો કરાયો હતો. જાહેરાતમાં વિવિધ ટિકિટિંગ પ્લેટફોર્મના નામ પણ દર્શાવાયા હતા, જેથી જાહેરાત સાચી લાગે. જોકે, કંપનીએ આરોપ મૂક્યો છે કે તેમની મંજૂરી વગર તેમની ઓળખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે ઓમ સોલંકી નામના વ્યક્તિએ 12 ઓક્ટોબરે કંપનીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સંપર્ક કરીને ‘veer.rajjputtt’ ખાતા દ્વારા ગરબાના પાસ વેચાઈ રહ્યા હોવાની જાણ કરી હતી.

કંપનીના મેનેજરની ફરિયાદ મુજબ, પાસની સત્યતા ચકાસવા માટે તેમણે વેચનારનો સંપર્ક કરી 3,100 રૂપિયામાં એક નકલી પાસ ખરીદ્યો હતો. વેચનારે કંપનીના માલિક સાથે વાત કરવાનો દાવો કરીને QR કોડવાળી ટિકિટનો સ્ક્રીનશોટ અને કન્ફર્મેશન મેઇલ મોકલ્યો હતો. પરંતુ તપાસમાં આ ટિકિટ નકલી હોવાનું જણાયું હતું. કન્ફર્મેશન મેઇલ ‘anantexperience@gmail.com’ નામના ખોટા ઈમેલ આઈડી પરથી મોકલાયો હતો.

ફરિયાદમાં જણાવાયા અનુસાર, ઘનશ્યામ રાઠોડ નામના અન્ય ગ્રાહકને 13 ઓક્ટોબરે મોબાઇલ નંબર 9954062808 પરથી ડિસ્કાઉન્ટ પાસની ઓફર મળી હતી. તેઓએ કંપની મેનેજરનો સંપર્ક કર્યો અને સ્ક્રીનશોટ શેર કર્યો, ત્યારબાદ તેમને પાસ ખરીદવાથી રોકવામાં આવ્યા હતા. પોતાની કંપનીના નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો હોવાની શંકા જતાં કંપનીએ 13 ઓક્ટોબરે સાયબર ક્રાઇમ પોલીસને લેખિત અરજી આપી હતી અને બાદમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક તપાસમાં અંદાજે પાંચ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું શોધી કાઢ્યું છે. આરોપી ગુજરાત બહારનો હોવાનું મનાય છે અને પોલીસે ઇન્સ્ટાગ્રામ ખાતા તથા ટ્રાન્ઝેક્શનના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ગરબા આયોજકોના નામનો પણ પરવાનગી વગર ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

નવરાત્રિમાં છેલ્લી ઘડીએ સસ્તા પાસ ખરીદવાની લાલચમાં લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. સાયબર પોલીસે ગરબા પ્રેમીઓને ફક્ત સત્તાવાર માધ્યમો દ્વારા જ પાસ ખરીદવાની સલાહ આપી છે.