અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ગરબા પ્રેમીઓને નિશાન બનાવીને નકલી પાસ વેચવાની ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં યોજાયેલી અનંત બ્રહ્માંડ ગરબા ઇવેન્ટના નામે નકલી પાસ વેચીને લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, આરોપીઓએ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના નામ અને લોગોનો ઉપયોગ કરીને નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ઇમેઇલ આઇડી બનાવ્યાં હતાં. આ ઇવેન્ટ 14 ઓક્ટોબરે રાંચરડા-થોળ રોડ પર અરવિંદ એપલવુડ્સ નજીક યોજાઈ હતી. તેની ઓનલાઇન ટિકિટનું વેચાણ 19 ઓગસ્ટથી શરૂ થયું હતું અને આયોજકોએ ટિકિટના ભાવ ₹4,000થી ₹10,000 સુધી રાખ્યા હતા.
12 ઓક્ટોબરે એક વ્યક્તિએ આયોજકોના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તેણે બીજા એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ₹3,100માં ગરબાનો પાસ ખરીદ્યો છે. તેણે પાસની ખરાઈ માટે QR કોડ અને કન્ફર્મેશન ઇમેઇલનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો. તપાસ કરતાં આયોજકોને જાણવા મળ્યું કે પાસ નકલી છે અને કન્ફર્મેશન ઇમેઇલ પણ કંપનીના સત્તાવાર ઇમેઇલ આઇડી પરથી મોકલવામાં આવ્યો નહોતો.
બીજા દિવસે અન્ય એક વ્યક્તિને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ સંદેશ મળ્યો હતો. તેમાં ₹6,000ની કિંમતનો ગરબાનો પાસ માત્ર ₹2,000માં આપવાની લાલચ આપવામાં આવી હતી. જોકે, આયોજકોએ તે વ્યક્તિને આ પાસ ન ખરીદવાની સલાહ આપી હતી.
આ સમગ્ર મામલે આયોજકોએ 13 ઓક્ટોબરે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરીને લેખિત અરજી આપી હતી. ફરિયાદમાં અજાણ્યા શખસો સામે કંપનીના નામ અને લોગોનો દુરુપયોગ કરીને નકલી પાસ વેચીને લોકો પાસેથી પૈસા મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અજાણ્યા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, સોશિયલ મીડિયા પોસ્ટ કે અવિશ્વસનીય લિંક દ્વારા ગરબાના પાસ ખરીદવાથી બચવાની સલાહ આપી છે. નકલી લિંક પર ક્લિક કરવાથી બેંકિંગની ગુપ્ત માહિતી ચોરાવવાનું અથવા ખાતામાંથી નાણાં ગુમાવવાનું જોખમ રહે છે.
ગરબાનો પાસ ખરીદતાં પહેલાં ઇવેન્ટની સત્તાવાર વેબસાઇટ અને આયોજકો પાસેથી તેની ખરાઈ કરવી જરૂરી છે. સસ્તા પાસની લાલચમાં અજાણ્યા વ્યક્તિને ઓનલાઇન પેમેન્ટ કરવાથી બચવું જોઈએ.