સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના બોપલમાં જમીન પચાવવા જીવતા પિતાનું 1985નું ખોટું મૃત્યુ પ્રમાણપત્ર બનાવ્યું, પુત્ર સામે ફરિયાદ

અમદાવાદના બોપલમાં જમીન પચાવવા જીવતા પિતાનું 1985નું ખોટું મૃત્યુ પ્રમાણપત્ર બનાવ્યું, પુત્ર સામે ફરિયાદ

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા 72 વર્ષીય નિવૃત્ત નૈમિષ પટેલને જમીનના કેસમાં ફસાવવાનો અને શેલા ગામની જમીન પચાવી પાડવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. આરોપી ખોડા રઘુનાથ દેસાઈએ પોતાના જીવતા પિતા રઘુનાથ દેસાઈનું 15 એપ્રિલ 1985ના રોજ મૃત્યુ થયાનું ખોટું મૃત્યુ પ્રમાણપત્ર બનાવ્યું હતું અને તેના આધારે સરકારી કચેરીઓ તથા સબ-રજિસ્ટ્રાર સમક્ષ બોગસ દસ્તાવેજો રજૂ કરી જમીન પડાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે 1991માં સાણંદ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ અંગૂઠા અને સહીઓવાળા દસ્તાવેજો તૈયાર કરાવવામાં આવ્યા હતા, જેમાં નકલી ખેડૂતો અને માલિકો ઊભા કરવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં દિનેશ રામ પટેલ, જીવ આલુ ખોખર, નરેન્દ્રસિંહ અજીતસિંહ વાઘેલા, જમીન દલાલ ભાનુ વિજયસિંહ વાઘેલા અને નકલી ખેડૂત કાળુ દેસાઈ સામેલ હોવાનું જણાવાયું છે.

પોતાનો આ ખેલ છુપાવવા અને નિર્દોષ લોકોને ફસાવવા માટે મુખ્ય આરોપીએ વર્ષ 2020માં બોપલ પોલીસ મથકે 72 વર્ષીય નિવૃત્ત નૈમિષ પટેલ તથા અન્ય કેટલાક લોકો સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને સામે આવ્યું કે મૂળ ખેડૂત રઘુનાથનું 1985માં મૃત્યુ થયું જ ન હતું.

હકીકત સામે આવતાં પોલીસે સાણંદ કોર્ટમાં બી-સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. સુનાવણી બાદ કોર્ટે બી-સમરી વિથ પ્રોસીક્યુશન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આદેશની પ્રમાણિત નકલ મેળવ્યા બાદ નૈમિષ પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપી ખોડા દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.