અમદાવાદના ઘી કાંટા રોડ પર આવેલી બે કોસ્મેટિક દુકાનોમાં એસઓજી ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને નકલી પ્રોડક્ટ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ પ્રોડક્ટ્સ જાણીતી મેટ્રિક્સ કંપનીની કોપીરાઈટનો ભંગ કરતી હોવાનું જણાવાયું છે. કુલ 6.90 લાખ રૂપિયાની કિંમતની 1,221 નંગ નકલી પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી છે.
પોલીસે 'માય બ્યુટી સેન્ટર'ના સંચાલક યશ પ્રભુલાલ ઠક્કર અને 'લક્ષ્મી બ્યુટી શોપ'ના સંચાલક રીષભ અગ્રવાલ સામે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ દરોડા અંગેની બાતમી નવી દિલ્હીમાં નિઝામુદ્દીન પૂર્વ ખાતે આવેલી મેટ્રિક્સ કંપનીના અધિકૃત પ્રતિનિધિ નૃપેન્દ્ર શૈલેન્દ્રકુમાર કશ્યપને મળી હતી કે ઘી કાંટા રોડ પર નકલી કોસ્મેટિક્સનું વેચાણ થઈ રહ્યું છે.
આ બાતમીના આધારે પારેખ ઇન્ટેલેક્ચ્યુઅલ સર્વિસીસના પ્રોપરાઇટર દર્શક પારેખ અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એ.એ. વ્યાસ સહિતના સ્ટાફે પંચોની સાથે સંયુક્ત રેઇડ કરી હતી. તપાસ દરમિયાન પંચભાઇની પોળ પાસે આવેલ 'માય બ્યુટી સેન્ટર'માંથી યશ ઠક્કર પાસેથી શેમ્પૂ, ક્રીમ, ડેવલપર અને માસ્ક મળી કુલ 4.44 લાખ રૂપિયાની કિંમતનો 775 નંગ બનાવટી જથ્થો મળ્યો હતો. જ્યારે પાંચુ મીયાના ડહેલા પાસે આવેલ 'લક્ષ્મી બ્યુટી શોપ'માંથી રીષભ અગ્રવાલ પાસેથી 2.46 લાખ રૂપિયાની કિંમતનો 446 નંગ ડુપ્લીકેટ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ પ્રોડક્ટ્સમાંથી સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસ પૂછપરછમાં આરોપી યશ ઠક્કરે જણાવ્યું હતું કે તે મુંબઈના ક્રોફર્ડ માર્કેટ ખાતે આવેલ નવ્યા એન્ટરપ્રાઇઝિસના માલિક દિનેશ પાસેથી કાલબાદેવીના યશ ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો મંગાવતો હતો. જ્યારે રીષભ અગ્રવાલે આ જથ્થો ક્રોફર્ડ માર્કેટના આર.કે. બ્યુટીના માલિક વિજય પાસેથી રૂબરૂ મુંબઈ જઈ ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. આ બંને વેપારીઓ અમદાવાદના નારણપુરા ખાતે આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના સેલ્સમેન લક્ષ્મણ પાસેથી નકલી માલની ડિલિવરી મેળવી સ્થાનિક ગ્રાહકોને પધરાવતા હતા. પોલીસે આ કનેક્શન અંગે વધુ તપાસ હાથ ધરી છે.