સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: દશેરા પહેલા ફાફડા-જલેબી વિક્રેતાઓ માટે કડક નિયમો, ભેળસેળ કરનારની દુકાન સીલ થશે

અમદાવાદ: દશેરા પહેલા ફાફડા-જલેબી વિક્રેતાઓ માટે કડક નિયમો, ભેળસેળ કરનારની દુકાન સીલ થશે

દશેરા પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ખાદ્ય વિભાગે ફાફડા-જલેબીના ઉત્પાદકો અને વિક્રેતાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. દશેરા પર લાખો લોકો ફાફડા-જલેબીની ખરીદી કરે છે, ત્યારે ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી ન વેચાય અને લોકોને શુદ્ધ તથા સલામત ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા આ પગલાં લેવાયાં છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું કે ફાફડા બનાવવા માટે ફક્ત શુદ્ધ ચણાના લોટનો ઉપયોગ થવો જોઈએ. ચણાના લોટમાં મકાઈ, ચોખા, વટાણા કે ખેસારીના લોટની ભેળસેળ સખત પ્રતિબંધિત છે. તેવી જ રીતે તેલ અને ઘીની ગુણવત્તા પર પણ ભાર મૂકાયો છે. વારંવાર ગરમ કરેલું કે બળી ગયેલું કાળું તેલ વાપરવા પર પ્રતિબંધ છે. તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ (TPC)નું પ્રમાણ 25 ટકાથી વધુ ન હોવું જોઈએ; જો તે વધુ જણાય તો તેલનો જથ્થો સ્થળ પર જ નષ્ટ કરવામાં આવશે.

જે વેપારી 'શુદ્ધ ઘીની જલેબી'નો દાવો કરે છે તેમણે ઘીની ખરીદીના જીએસટી બિલ સહિતના પુરાવા રાખવા ફરજિયાત છે. ગ્રાહકોને ખોરાકમાં વપરાયેલા પદાર્થો વિશે ખોટી માહિતી આપી શકાશે નહીં. તમામ ખાદ્ય વ્યવસાયો પાસે FSSAIનું માન્ય લાઇસન્સ કે રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. વેચાણના સ્થળે સ્વચ્છતા જાળવવી અને કારીગરોએ હેડકેપ તથા ગ્લોવ્ઝ પહેરવા અનિવાર્ય છે.

આરોગ્ય વિભાગે ગ્રાહકોને પણ અપીલ કરી છે કે તેઓ અધિકૃત અને સ્વચ્છ દુકાનોમાંથી જ ખરીદી કરે અને પાકું બિલ લેવું ન ભૂલે, જેથી કોઈ ગેરરીતિ સામે કાર્યવાહી કરી શકાય. દશેરા પહેલા અને દશેરાના દિવસે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો શહેરભરમાં ચેકિંગ અને સેમ્પલિંગ કરશે. નિયમોનો ભંગ કરનારા વેપારીઓ સામે ભારે દંડ, માલસામાન જપ્તી અને જરૂર પડ્યે દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી થશે.