અમદાવાદમાં દશેરા પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરની 80થી વધુ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરી છે. રવિવારે (18 ઓક્ટોબર) યોજાયેલી આ તપાસ દરમિયાન ફાફડા અને જલેબીના કુલ 55 સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ હવે લેબોરેટરીમાં ગુણવત્તા ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
જોકે, લેબોરેટરીના રિપોર્ટ આવતાં 10થી 15 દિવસનો સમય લાગી શકે છે. એટલે કે, દશેરા દરમિયાન વેચાયેલા ફાફડા-જલેબીની ગુણવત્તા અંગેની સ્પષ્ટતા તહેવાર પૂરો થયા પછી જ થશે. આ સ્થિતિમાં ગ્રાહકો માટે એ જાણવું મુશ્કેલ બની જાય છે કે તહેવાર પર વેચાતી મીઠાઈ અને ફરસાણ આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં.
દશેરાના દિવસે અમદાવાદમાં ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. આ દિવસે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ભારે ભીડ જોવા મળે છે. નાના-મોટા વેપારીઓ ઉપરાંત સોસાયટીઓના નાકે, રસ્તાની બાજુએ અને ફૂટપાથ પર હંગામી મંડપ ઊભા કરીને પણ ફાફડા-જલેબીનું વેચાણ કરવામાં આવે છે. આટલા મોટા પાયે ખાદ્યપદાર્થોનું વેચાણ થતું હોય ત્યારે તેની ગુણવત્તા સમયસર ચકાસાય તે જરૂરી છે. પરંતુ સેમ્પલ લીધા પછી રિપોર્ટ આવવામાં લાંબો સમય લાગતો હોવાથી તાત્કાલિક પગલાં લેવાનું મુશ્કેલ બને છે.
ફૂડ વિભાગે સેમ્પલ લેવાની કાર્યવાહી કરી છે, પરંતુ સવાલ એ છે કે રિપોર્ટ તહેવાર પહેલાં કેમ ઉપલબ્ધ ન થઈ શકે? જો સમયસર પરિણામ મળે તો ગુણવત્તામાં ખામી ધરાવતી વસ્તુઓનું વેચાણ અટકાવી શકાય અને જવાબદાર વેપારીઓ સામે કાર્યવાહી કરી શકાય. હાલમાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા બાદ પરિણામ માટે રાહ જોવી પડે છે. આ સમયગાળા દરમિયાન સંબંધિત ખાદ્યપદાર્થોનું વેચાણ ચાલુ રહે તો ગ્રાહકોને તેની ગુણવત્તા અંગે અગાઉથી જાણ થતી નથી. તેથી તહેવારોને ધ્યાનમાં રાખીને તપાસ અને રિપોર્ટની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાની જરૂરિયાત સામે આવી છે.
દશેરા નિમિત્તે સોમવારની રાતથી જ ફાફડા-જલેબીનું વેચાણ અને વિતરણ વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ફરસાણની દુકાનોમાં તપાસની સાથે ફાફડા બનાવવા માટે વપરાતા તેલ અને જલેબી માટે વપરાતા ઘી સહિતના કાચા માલની ગુણવત્તા પર પણ ધ્યાન આપવું જરૂરી છે, એમ તજજ્નો માને છે.