સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દશેરા પહેલાં ફાફડા-જલેબીના વેપારીઓને ચેતવણી: ભેળસેળ કરાશે તો લાઇસન્સ સસ્પેન્ડ

અમદાવાદમાં દશેરા પહેલાં ફાફડા-જલેબીના વેપારીઓને ચેતવણી: ભેળસેળ કરાશે તો લાઇસન્સ સસ્પેન્ડ

અમદાવાદમાં દશેરા પહેલાં ફાફડા-જલેબીની માગ વધતાં કોર્પોરેશનના ખાદ્ય સુરક્ષા વિભાગે વેપારીઓને ચેતવણી આપી છે. ફૂડ બિઝનેસ ઓપરેટરોએ નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. નિયમભંગ જણાશે તો નોટિસ, દંડ ઉપરાંત લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોમાં વપરાતા કાચા માલ, તેલ અને ઘીની ગુણવત્તા જાળવવા પર ભાર મૂકાયો છે. ફાફડા બનાવવા માટે ચણાના લોટમાં મકાઈ, ચોખા, વટાણા કે ખેસારીનો લોટ અઘોષિત રીતે ભેળવવો નહીં. ગ્રાહકોને વપરાયેલા ઘટકોની સાચી માહિતી આપવી પણ જરૂરી છે.

વારંવાર તળવાથી બગડેલા તેલનો ફરી ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે. તળવાના તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ 25 ટકાથી વધુ ન હોવું જોઈએ. મીઠાઈ કે અન્ય ખાદ્ય પદાર્થો શુદ્ધ ઘીમાં બન્યાનો દાવો હકીકત અને પુરાવા આધારિત હોવો જોઈએ.

ખાદ્ય પદાર્થો બનાવવાની જગ્યા, રસોડું, વાસણો અને પીરસવાની જગ્યા સ્વચ્છ રાખવી વેપારીઓ માટે જરૂરી છે. કર્મચારીઓએ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી પડશે અને ખોરાકને ધૂળ તથા જીવજંતુઓથી બચાવવો પડશે. ચટણી, કઢી અને પપૈયાની છીણ જેવી સામગ્રી ઢાંકીને રાખવાની સૂચના છે. વાસી કે દુર્ગંધયુક્ત ખોરાકનું વેચાણ અટકાવવું પડશે.

વેપારીઓ પાસે માન્ય FSSAI લાઇસન્સ કે રજિસ્ટ્રેશન હોવું જોઈએ અને ગ્રાહકોને યોગ્ય બિલ આપવું પડશે. લાઇસન્સની શરતોનું ઉલ્લંઘન થાય તો નોટિસ, દંડ, લાઇસન્સ સસ્પેન્ડ કે રદ અને અદાલતી કાર્યવાહી સહિતનાં પગલાં લેવાઈ શકે છે.

ગ્રાહકોએ ખરીદીનું બિલ, તારીખ અને પેકિંગની વિગતો સાચવી રાખવી જોઈએ. ભેળસેળ કે શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જણાય તો સ્થાનિક ખાદ્ય સુરક્ષા વિભાગ અથવા FSSAIના ફૂડ સેફ્ટી કનેક્ટ પોર્ટલ કે એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે.