દિવાળીના તહેવારો અને વેકેશન પૂરાં થતાં બહારગામ ગયેલા મુસાફરો પરત ફરી રહ્યા છે. ટ્રેનોમાં વધતા ધસારા અને લાંબી વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે 4 જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય લીધો છે. 13થી 17 નવેમ્બર દરમિયાન આ કોચ ઉપલબ્ધ રહેશે. વધારાના કોચમાં થર્ડ AC અને સ્લીપર ક્લાસનો સમાવેશ થાય છે. આ સુવિધાથી હજારો મુસાફરોને કન્ફર્મ સીટ મળી શકશે.
અમદાવાદ મંડળની યાદી મુજબ નીચેની ટ્રેનોમાં નિર્ધારિત તારીખો મુજબ વધારાના કોચ લાગશે:
- 19223 સાબરમતી – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ: 13 અને 14 નવેમ્બરના રોજ 1 થર્ડ AC અને 1 સ્લીપર કોચ.
- 19224 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – સાબરમતી એક્સપ્રેસ: 15 અને 16 નવેમ્બરના રોજ 1 થર્ડ AC અને 1 સ્લીપર કોચ.
- 09424 અમદાવાદ – મંગલુરુ સ્પેશિયલ: 13 નવેમ્બરના રોજ 2 સ્લીપર કોચ.
- 09423 મંગલુરુ – અમદાવાદ સ્પેશિયલ: 14 નવેમ્બરના રોજ 2 સ્લીપર કોચ.
- 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ એક્સપ્રેસ: 16 અને 17 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ.
- 22958 વેરાવળ – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ: 13 અને 14 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ.
- 19411 ગાંધીનગર કેપિટલ – દૌલતપુર ચોક એક્સપ્રેસ: 14 અને 15 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ.
- 19412 દૌલતપુર ચોક – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ: 15 અને 16 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ.
તહેવારોની રજાઓ બાદ ખાસ કરીને ઉત્તર ભારત (કટરા, દૌલતપુર ચોક), દક્ષિણ ભારત (મંગલુરુ) અને સૌરાષ્ટ્ર (વેરાવળ) તરફથી અમદાવાદ અને ગાંધીનગર પરત ફરનારા મુસાફરોની સંખ્યા વધુ હોય છે. આવી પરિસ્થિતિમાં આ ટ્રેનોમાં વધારાના કોચ જોડાતાં વેઇટિંગ ટિકિટ ધરાવતા ઘણા પેસેન્જરોને કન્ફર્મ ટિકિટ મળી રહેશે.