અમદાવાદના બોપલ વિસ્તારમાંથી લોન આપીને દાદાગીરી કરવાનો મામલો સામે આવ્યો છે. ચાર શખ્સોએ 20 લાખ રૂપિયાની લોન પર 10 ટકાના વ્યાજે નાણાં આપ્યા હતા, પરંતુ પછી 26 લાખ રૂપિયાથી વધુની ઉઘરાણી કરી હોવાનો આરોપ છે. આ સાથે તેઓએ ફરિયાદીના પરિવારના દાગીના અને મકાન પણ પચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
ફરિયાદી દર્શનભાઈ પુરોહિતે પોલીસને જણાવ્યું કે, તેઓ સિંધુ ભવન રોડ પર આવેલી ઇન્ટરનેશનલ રિક્રૂટમેન્ટ એકેડમીમાં એજન્ટ તરીકે કામ કરે છે. વર્ષ 2024માં તેમના શેઠ ગૌરવ સૌર્યને 20 લાખ રૂપિયાની જરૂર પડી હતી. આરોપી વિશાલ દેસાઈ પાસેથી તેમણે આ રકમ 10 ટકાના વ્યાજે લીધી હતી. રકમ ન ચૂકવાતાં આરોપીઓએ દર્શનભાઈ પર દબાણ કરવાનું શરૂ કર્યું.
આરોપીઓએ કથિત રીતે દર્શનભાઈની કિયા ગાડી પોતાની પાસે ગીરવે રાખી અને પછી લખાણ કરાવી લીધું. તેમની પાસેથી બે સહી કરેલા ચેક પણ પડાવી લીધા. ત્યારબાદ ઉઘરાણી વધુ તીવ્ર બની. આરોપીઓ ઘરે આવીને મારપીટ કરતા હતા. એક વખત દર્શનભાઈનો દાંત પણ તૂટી ગયો હતો.
દર્શનભાઈએ ગાડી પાછી મેળવવા આરોપીઓને અલગ-અલગ બેંક ખાતા દ્વારા લગભગ 12 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. છતાં ઉઘરાણી બંધ ન થઈ. આરોપીઓએ તેમની પત્નીનો 1.60 લાખ રૂપિયાનો સોનાનો ચેન અને માતાનું 6 લાખ રૂપિયાનું મંગળસૂત્ર પણ બળજબરીથી પડાવી લીધું હતું. આમ, બે વર્ષમાં તેમણે કુલ 26 લાખ રૂપિયા વસૂલી લીધા હતા.
તેમ છતાં આરોપીઓ અટક્યા નહીં. તેઓ હવે દર્શનભાઈને તેમનો ફ્લેટ પોતાના નામે લખી આપવા દબાણ કરતા હતા. આખરે કંટાળીને દર્શનભાઈએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુજરાત મની-લેન્ડર્સ એક્ટ અને BNSની યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓમાં વિશાલ ગમનભાઈ દેસાઈ, વિક્રમ હવાભાઈ દેસાઈ, આયુષ વાઘુભાઈ દેસાઈ અને આશિષ ઉર્ફે બચ્ચન કાનજીભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. આ ચારેય ગોતા ચાણક્યપુરી વિસ્તારમાં રહે છે. વિશાલ અને વિક્રમ સામે વર્ષ 2023માં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો પણ નોંધાયેલો છે.