સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સોમવારે 9,001 પરિવારોને મળશે પોતાનું ઘર, 16 દુકાનોનો પણ ડ્રો

અમદાવાદમાં સોમવારે 9,001 પરિવારોને મળશે પોતાનું ઘર, 16 દુકાનોનો પણ ડ્રો

અમદાવાદમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે પોતાનું ઘર મેળવવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ તૈયાર કરાયેલા કુલ 9,001 આવાસોનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો સોમવાર, 9 નવેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત 16 દુકાનોનો પણ ડ્રો કરવામાં આવશે.

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં આવાસોનું લોકાર્પણ અને લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે. આ સાથે શહેરમાં કુલ 1,024 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ હેઠળ રામાપીરના ટેકરા વિસ્તારમાં તૈયાર કરાયેલા આવાસો પૈકી બાકી રહેલા 532 આવાસો અને 16 દુકાનોનું લોકાર્પણ તથા ડ્રો કરવામાં આવશે. જ્યારે સેક્ટર-1ના અર્બન પાર્ક ખાતે તૈયાર કરાયેલા 700 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે અને બાકી રહેલા 644 આવાસોનો ડ્રો યોજાશે. આમ, આ બંને સ્થળે મળીને કુલ 1,176 આવાસો અને 16 દુકાનોની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાશે.

બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અફોર્ડેબલ હાઉસિંગ ઘટક હેઠળ શહેરમાં 11 સ્થળોએ તૈયાર કરાયેલા 7,825 આવાસોનો પણ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવશે. આ આવાસો નિકોલ, કોતરપુર-નરોડા, મોટેરા, શીલજ, ઓઢવ, સરખેજ સહિતના વિસ્તારોમાં આવેલા છે.

મેયર અને હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ તથા EWS આવાસ યોજનાના ચેરમેને જણાવ્યું હતું કે, આ 7,825 આવાસો માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી છે. તેમાંથી 7,825 પરિવારોને આવાસ ફાળવવામાં આવશે, જ્યારે કુલ આવાસોના 50 ટકા એટલે કે 3,912 અરજદારોને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવશે.

આવાસ યોજનાના લાભાર્થીઓને જરૂરી સુવિધાઓ સાથેના મકાનો આપવામાં આવશે. આવાસોમાં બેઠક રૂમ, બેડરૂમ, રસોડું, સંડાસ-બાથરૂમ અને ચોકડીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત વાહન પાર્કિંગ, વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ, કોટાસ્ટોનનું કિચન પ્લેટફોર્મ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, એલ્યુમિનિયમ સેક્શનની ગ્લાસ વિન્ડો અને મુખ્ય દરવાજાની સુવિધા પણ આપવામાં આવી છે.

આવાસોના ડ્રો અને લોકાર્પણ ઉપરાંત શહેરના વિવિધ વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમાં એસજી હાઇવે પર બનેલા ઇસ્કોનથી સાણંદ સુધીના એલિવેટેડ કોરિડોર, જોધપુર ખાતે તૈયાર કરાયેલા નોલેજ હબ અને ગોતા ખાતેના અર્બન હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે. આ તમામ વિકાસકાર્યો પાછળ કુલ 1,024 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રામાપીરના ટેકરા સેક્ટર-5 માં બનાવવામાં આવેલા કુલ 1,400 આવાસો તથા 16 દુકાન પૈકી બાકી રહેલા 532 આવાસો તથા 16 દુકાનોનું વિધિવત લોકાર્પણ અને ડ્રો કરવામાં આવશે. આ ઉપરાંત સેક્ટર-1 માં અર્બન પાર્ક ખાતે તૈયાર કરાયેલા 700 આવાસોનું લોકાર્પણ તેમજ 644 આવાસનો ડ્રો સંપન્ન થશે. વધુમાં, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમદાવાદ શહેરમાં 11 સ્થળે નિર્માણ પામી રહેલા 28 ચો.મી. કાર્પેટ એરિયા ધરાવતા 7,825 આવાસોનો કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાશે, જેના માટે તંત્રને કુલ 97,102 અરજી મળી છે. આમ, સમગ્ર આયોજન અંતર્ગત એક સાથે કુલ 9,001 આવાસો તથા 16 દુકાનોનો કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે.