સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં તોડફોડ અને ફાયરિંગ કેસમાં 7 શખ્સ ઝડપાયા, પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

અમદાવાદમાં તોડફોડ અને ફાયરિંગ કેસમાં 7 શખ્સ ઝડપાયા, પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા એમ્પાયર સ્કાયવ્યૂ એપાર્ટમેન્ટ બહાર ફટાકડા ફોડવાની નાની બાબતે મોડી રાત્રે 20થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી અને બાદમાં 2થી 3 રાઉન્ડ ફાયરિંગ કરીને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો. આ ઘટના સંદર્ભે સોમવારે સોલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, સાયન્સ સિટી જેવા પોશ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અસામાજિક તત્વોના ટોળાએ રહેણાંક વિસ્તારમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન થયેલા ફાયરિંગથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશોની સુરક્ષા અંગે પ્રશ્ન ઊભો થતાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે આ મામલે કડક પગલાં ભરીને અત્યાર સુધીમાં કુલ 7 શખ્સોને અટકાયતમાં લીધા છે. પકડાયેલા આરોપીઓમાંથી 3 સગીર વયના હોવાથી કાયદાકીય પ્રક્રિયા મુજબ તેમના માતા-પિતાને પોલીસ સ્ટેશને બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય ચાર મુખ્ય આરોપીઓને પોલીસ કાફલો ઘટનાસ્થળે લઈ ગયો હતો. રાત્રિના સમયે જે લોકોએ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરીને આતંક મચાવ્યો હતો, તે આરોપીઓને પોલીસે જાહેરમાં લાવીને પગલાં લીધાં હતાં.

ઘટનાસ્થળે કરાવેલા રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં હાથ જોડીને માફી મંગાવી હતી. જે વિસ્તારમાં નબીરાઓએ તોડફોડ કરી હતી, ત્યાં જ પોલીસની કડક કાર્યવાહી જોઈને આસપાસના લોકોમાં સુરક્ષાની ભાવના પુનઃ પ્રસ્થાપિત થઈ છે. એમ્પાયર સ્કાયવ્યૂના રહીશો અને સ્થાનિક નાગરિકોએ પોલીસની ઝડપી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ગુનેગારો સામે કડકમાં કડક દાખલો બેસાડવાની માંગ કરી છે.

અમદાવાદ પોલીસની આ તાત્કાલિક અને કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં કાયદાનો ભય સ્થપાયો છે. જાહેર શાંતિ ભંગ કરનારા લોકો સામે પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ પર રોક લાગશે.