સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: mparivahan.apk લિંક પર ક્લિક કરતાં વેપારીનું ખાતું ખાલી, 5.67 લાખ લૂંટાયા

અમદાવાદ: mparivahan.apk લિંક પર ક્લિક કરતાં વેપારીનું ખાતું ખાલી, 5.67 લાખ લૂંટાયા

અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વેપારી હરીશ ઠાકુરદાસ રોહરા સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છે. નરોડા ફ્રૂટ માર્કેટમાં ફળનો વેપાર કરતા હરીશભાઈના મોબાઈલ પર 22 ઓગસ્ટે ટ્રાફિક ચલણ ભરવા અંગેનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતાં જ તેમના ફોનમાં 'mparivahan.apk' નામની એપ ડાઉનલોડ થઈ ગઈ હતી.

આ એપના કારણે સાયબર ઠગે તેમના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ 2 સપ્ટેમ્બરની સવારે તેમના IndusInd Bankના સેવિંગ ખાતામાંથી IMPS દ્વારા 5,67,700 રૂપિયા અલગ-અલગ NSDL Payments Bankના ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા કપાયાના મેસેજ જોતાં જ હરીશભાઈએ તેમના ભાઈ વિશાલને જાણ કરી અને બંને નરોડા સ્થિત IndusInd Bankની શાખામાં પહોંચ્યા હતા.

બેંકમાં તપાસ કરતાં ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હરીશભાઈએ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના સાયબર છેતરપિંડીની વધતી જતી ઘટનાઓ તરફ ધ્યાન દોરે છે, જેમાં અજાણ્યા મેસેજની લિંક પર ક્લિક ન કરવા માટે નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.