સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ પૂર્વમાં 2 કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર, હાટકેશ્વર સર્કલ પાણીમાં ડૂબ્યું

અમદાવાદ પૂર્વમાં 2 કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર, હાટકેશ્વર સર્કલ પાણીમાં ડૂબ્યું

અમદાવાદમાં સતત બે કલાક ધોધમાર વરસાદ પડતાં પૂર્વ વિસ્તારના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. હાટકેશ્વર સર્કલ પર પાણી ભરાતાં તે તળાવ જેવું દેખાઈ રહ્યું છે.

હાટકેશ્વર ઉપરાંત સીટીએમ, ખોખરા, અમરાઈવાડી અને મણિનગરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયું છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે પૂર્વ અમદાવાદના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે. હાટકેશ્વર સર્કલ સહિતના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગી છે. અનેક વાહનચાલકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

ખોખરા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વરસાદી પાણી ઘરો સુધી પહોંચી જતાં સ્થાનિક રહીશોની મુશ્કેલી વધી છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોમાં ચિંતા પ્રસરી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભારે વરસાદ બાદ પાણીના નિકાલ માટે પૂરતી કામગીરી કરવામાં આવી નથી. પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહેતાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.