સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સિંદૂર ખેલા સાથે મા દુર્ગાને વિદાય, 'આશ્ચે બોછોર આબાર હોબે'નો ગુંજારવ

અમદાવાદમાં સિંદૂર ખેલા સાથે મા દુર્ગાને વિદાય, 'આશ્ચે બોછોર આબાર હોબે'નો ગુંજારવ

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન બંગાળી સમાજે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કર્યું હતું. પાંચ દિવસ ચાલેલા આ મહોત્સવની પૂર્ણાહુતિ વિજયાદશમીના રોજ થઈ હતી. દશમી પૂજા અને દર્પણ વિસર્જન બાદ પરંપરાગત 'સિંદૂર ખેલા' યોજાયો હતો.

સફેદ અને લાલ પાલવવાળી પરંપરાગત બંગાળી સાડીમાં સજ્જ પરિણીત મહિલાઓએ પહેલાં મા દુર્ગાને સિંદૂર અર્પણ કર્યું હતું. આરતી ઉતારીને મીઠાઈનો ભોગ ધરાવ્યો હતો. ત્યારબાદ મહિલાઓએ એકબીજાના ગાલ પર અને સેંથામાં સિંદૂર લગાવીને અખંડ સૌભાગ્ય અને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ દ્રશ્યથી આખું પંડાલ લાલ રંગ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું.

બોડકદેવ, સેટેલાઇટ અને કાલુપુર સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ મા દુર્ગાના દર્શન માટે આવ્યા હતા. વિશાળ પંડાલમાં મા દુર્ગા, મા સરસ્વતી, મા લક્ષ્મી, ભગવાન કાર્તિકેય અને ગણેશજીની મૂર્તિઓની વિધિવત પૂજા-અર્ચના કરાઈ હતી. દરરોજ સાંજે ઢાકની થાપ (બંગાળી ઢોલ) અને ધૂપ-આરતી સાથે થતું ધુનુચી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બંગાળથી આવેલા અને સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો અને રવીન્દ્ર સંગીતની રજૂઆત પણ થઈ હતી.

પૂજાના પાંચેય દિવસ દરમિયાન આવતા ભક્તો માટે ખીચડી, લાબડા (શાક) અને બંગાળી મીઠાઈઓ સાથે વિશેષ ભોગ (મહાપ્રસાદ)નું આયોજન કરાયું હતું. દાયકાઓથી અમદાવાદમાં વસતો બંગાળી સમાજ પોતાની આ સંસ્કૃતિને જાળવી રાખીને શહેરને 'મિની બંગાળ'ના રંગમાં રંગી દે છે.

સિંદૂર ખેલા બાદ અશ્રુભીની આંખે મા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. 'આશ્ચે બોછોર આબાર હોબે' (આવતા વર્ષે ફરી મુલાકાત થશે)ના નારા સાથે માતાજીને વિદાય આપવામાં આવી હતી.