સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે નકલી મોબાઈલ ફોનનું કૌભાંડ પકડાયું, 1,034 ફોન જપ્ત

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે નકલી મોબાઈલ ફોનનું કૌભાંડ પકડાયું, 1,034 ફોન જપ્ત

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીકના મોબાઈલ માર્કેટમાં મોટા પાયે ચાલતા નકલી મોબાઈલ ફોનના કૌભાંડનો પર્દાફાશ થયો છે. LCB ઝોન-6ની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા હતા.

પોલીસે પાંચ મોબાઈલ દુકાનો અને ગોડાઉન પર કાર્યવાહી કરીને ₹7 લાખથી વધુ કિંમતના 1,034 ડુપ્લિકેટ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા ફોનમાં સેમસંગ, નોકિયા અને જીઓ જેવી લોકપ્રિય બ્રાન્ડના નકલી કીપેડ મોબાઈલનો સમાવેશ થાય છે.

આ રેકેટમાં નકલી મોબાઈલ ફોન બનાવીને સસ્તા ભાવે વેચવામાં આવતા હતા. પોલીસે 6થી 7 શખ્સોની અટકાયત કરી છે, જેમાં રમેશ સોલંકી, જીતેન્દ્ર પ્રજાપતિ, રવીન્દ્રકુમાર છીપા, રૂપારામ ચૌધરી, દિનેશકુમાર ઘાંચી અને મહેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. આ તમામ સામે ટ્રેડ માર્ક્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં મોબાઈલ ફોન ઉપરાંત બિલ વગરના ચાર્જર, બેટરી, સ્ટીકર અને અન્ય શંકાસ્પદ એસેસરીઝ પણ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં જીઓ બ્રાન્ડના મોબાઈલનું એસેમ્બલિંગ યુનિટ પણ મળી આવ્યું હતું, જ્યાં વિવિધ પાર્ટ્સ જોડીને નકલી ફોન બનાવવામાં આવતા હતા.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, કેટલાક સ્ટીકરોમાં 50-60 મોબાઈલ માટે એક જ IMEI નંબર હોવાનું પણ સામે આવ્યું છે. ડુપ્લિકેટ મોબાઈલની ઓળખ અંગે તેમણે કહ્યું કે, આરોપીઓ પાસે જપ્ત કરાયેલા ફોનના કોઈ બિલ નહોતા. મોબાઈલની અંદર દર્શાવેલો IMEI નંબર અને પાછળના સ્ટીકર પરનો IMEI નંબર અલગ અલગ હતા.

સેમસંગ કંપનીના અધિકૃત પ્રતિનિધિને બોલાવીને તપાસ કરાવતા, તેમણે પુષ્ટિ કરી કે તમામ જપ્ત કરાયેલા સેમસંગ ફોન અને એસેસરીઝ ડુપ્લિકેટ છે. કેટલાક સેમસંગ મોડેલ 2024માં ઉત્પાદન બંધ થઈ ગયા હોવા છતાં નવા તરીકે વેચાઈ રહ્યા હતા.

પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. નકલી મોબાઈલ ફોનનું રેકેટ ક્યાંથી ચાલતું હતું, તેના મુખ્ય સૂત્રધારો કોણ છે અને સપ્લાયર્સ ક્યાંથી આવે છે તે જાણવા તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, આ ડુપ્લિકેટ ફોનનો ઉપયોગ સાયબર ફ્રોડ, મ્યુલ એકાઉન્ટ્સ કે આતંકી પ્રવૃત્તિઓમાં થયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.

ગ્રાહકોએ સસ્તા ભાવે મોબાઈલ ખરીદતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે, જેથી આવા કૌભાંડનો ભોગ ન બનવું પડે.