અમદાવાદના થલતેજ વિસ્તારમાં બુધવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. માતા સાથે એક્ટિવા પર શાળાએથી પરત ફરી રહેલી 12 વર્ષની દીકરી આરાધ્યાને એક ડમ્પરે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે આરાધ્યા ડમ્પરના ટાયર નીચે આવી જતાં સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. આરાધ્યાના પિતા અને દાદા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માતા અને પુત્ર ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે આરોપી ડમ્પર ચાલક મુબારક સિકંદર મઉની ધરપકડ કરી છે. મૂળ હરિયાણાનો વતની અને હાલ સનાથલમાં રહેતો આરોપી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું અને ડમ્પરની પરમિટ પણ નહોતી. લાયસન્સ વગરના ચાલકને વાહન સોંપનાર ડમ્પર માલિક કેયુર બારોટ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ જ ડમ્પર (GJ 24 X 5130) ભૂતકાળમાં પણ અકસ્માત સર્જી ચૂક્યું હતું.
આ ઘટના બાદ સવાલ ઉઠ્યો છે કે સરખેજ-ગાંધીનગર હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજ પર સવારે 7 થી રાત્રે 11 સુધી ભારે વાહનો પર પ્રતિબંધ છે. તેમ છતાં ડમ્પરો બેફામ શહેરમાં ફરી રહ્યા છે. સૂચના બોર્ડ છતાં પ્રતિબંધનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે રાજ્યમાં અન્ય શહેરોમાં પણ ડમ્પર અકસ્માતોના બનાવો બન્યા છે. સુરતના ભાઠે વિસ્તારમાં ગણપતિ ઉત્સવની તૈયારી દરમિયાન સોલિડ વેસ્ટ વિભાગના કચરાના ડમ્પરે 6 મિત્રોમાંથી 2ને અડફેટે લેતાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે બીજો ગંભીર છે. જૂનાગઢના વંથલી હાઈવે પર પણ રેતી ભરેલું ડમ્પર પલટી મારતાં કાર પર રેતીનો ઢગલો થયો હતો, જોકે બે લોકો સમયસર ભાગી જતાં બચી ગયા હતા.