અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગુરુવારે એક દિલદ્રાહી અકસ્માત સર્જાયો હતો. સ્કૂલેથી પરત ફરી રહેલી 12 વર્ષની બાળકી આરાધ્યા બારોટનું ડમ્પરની ટક્કરે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તેનો નાનો ભાઈ ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે માતા સહીસલામત છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરાધ્યા તેની માતા અને નાના ભાઈ સાથે એક્ટિવા વાહન પર ઘરે જઈ રહી હતી. ત્યારે એક ડમ્પરે તેમના વાહનને ટક્કર મારી હતી. અકસ્માતમાં આરાધ્યાનું સ્થળ પર જ મોત થયું હતું. ડમ્પરચાલકની તાત્કાલિક ધરપકડ કરી ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાસ્થળે પિતાનું આક્રંદ જોઈને હૃદય દ્રવી ઉઠે તેવું દૃશ્ય હતું. તેઓ રડતા-રડતા દીકરીના મૃતદેહ સામે જોઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા, "હું અહીંથી નહીં હટું." આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
દરમિયાન, અકસ્માતના આંકડા ચિંતાજનક છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2024માં ગુજરાતમાં કુલ 15,588 માર્ગ અકસ્માત થયા હતા, જેમાં 7,717 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેનો અર્થ છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 20 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.
અહેવાલમાં અકસ્માતનું સૌથી મોટું કારણ ઓવર સ્પીડ જણાવવામાં આવ્યું છે. નિયત ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નિર્દોષ જીવન માટે ખતરો બની રહ્યું છે.