અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં બુધવારે (11 નવેમ્બર) બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં બે શખ્સો પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યા હતા, ત્યારે તેમણે રસ્તા પર જઈ રહેલા મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની આગળની નંબર પ્લેટ, કાચ અને બમ્પર સંપૂર્ણપણે તૂટી ગયા હતા.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે કારની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત બંને શખ્સો નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. નશો કરીને કાર હંકારવાની આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. તેમણે બંને કારચાલકોને પકડીને પોલીસને સોંપી દીધા હતા.
ઝડપાયેલા બંને શખ્સો રાજકોટના રહેવાસી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં નરોડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંનેની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશન લઈ જવાયા ત્યારે બંને શખ્સો દારૂના નશામાં લથડિયાં ખાતા હતા અને તેમના મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવી રહી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે ગંભીરતા દાખવીને કારચાલક સામે અકસ્માત અને નશાબંધી ભંગ બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં, અમદાવાદના ભાટ-મોટેરા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવી રહેલી કાર ડિવાઇડર પાસે વૃક્ષ છાંટવાની કામગીરી કરતા AMCના ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે આ કાર પુખ્ત વયની વ્યક્તિ નહીં, પરંતુ એક સગીર બાળક ચલાવી રહ્યો હતો. આ ઘટનાએ સગીરોના હાથમાં વાહનની ચાવી સોંપવાના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે.