સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ફરી દારૂ પીને ડ્રાઈવિંગ: ટુ-વ્હીલરને 500 મીટર ઢસડીને ભાગ્યો કારચાલક, લોકોએ પકડ્યો

અમદાવાદમાં ફરી દારૂ પીને ડ્રાઈવિંગ: ટુ-વ્હીલરને 500 મીટર ઢસડીને ભાગ્યો કારચાલક, લોકોએ પકડ્યો

અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી અને તેને અંદાજે 500 મીટર સુધી કાર સાથે ઢસડ્યું હોવાની ઘટના બની છે. આ ઘટના ગુરુકુલ રોડ પર દૂરદર્શન કેન્દ્ર નજીક રાત્રે 9:00 વાગ્યા પછી બની હતી. ટુ-વ્હીલર પર કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી પ્રમાણે, કાર ચલાવનાર વ્યક્તિ એક ખાનગી બેંકના બ્રાન્ચ મેનેજર છે. તેમણે દૂરદર્શન ટાવર પાસે પાર્ક કરેલા ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર બાદ પણ કારચાલક અટક્યો નહોતો અને ટુ-વ્હીલરને ઢસડતો આગળ લઈ ગયો હતો.

ઘટનાના દ્રશ્યો જોઈ આસપાસના લોકો તરત એકઠા થઈ ગયા અને કારચાલકને ઘટનાસ્થળે જ પકડી લીધો. તપાસમાં કારમાં ચાલકના પગ નીચેથી દારૂની બોટલ મળી આવી હતી. જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ચાલકની અટકાયત કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ. પોલીસે ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, નિકોલમાં નશામાં ધૂત ચાલકની કારના કારણે ત્રણ લોકોના મોતની ઘટનાને હજુ માંડ બે દિવસ થયા છે. ત્યાં જ અમદાવાદના વ્યસ્ત માર્ગ પર ફરી આવો બનાવ સામે આવ્યો છે.