અમદાવાદ: અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે રૂ. 25.71 કરોડના ડ્રગ્સ કેસમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસના મુખ્ય આરોપી કફીલ અહેમદે સોમવારે (26 ઓક્ટોબર) કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેના પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા આરોપી કફીલ અને PSI બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ રિમાન્ડ હેઠળ રહેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન બપોર બાદ કફીલે અચાનક છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી. તબીબી તપાસ માટે પોલીસની ટીમ તેને સરકારી જીપમાં સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહી હતી. જીપ સાબરમતી રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કફીલે ઊલટી થતી હોવાનું કહી જીપ થોભાવવા કહ્યું.
ગાડી ધીમી પડતાં જ કફીલે અચાનક જીપનો દરવાજો ખોલી બહાર કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો. PSIએ તેને તુરંત પકડી પાડ્યો. આ દરમિયાન કફીલે ભાગવા માટે PSIની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કરી હુમલો કર્યો. સ્થિતિ બેકાબૂ બનતી જોઈ PSIએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી કફીલના પગ પર ફાયરિંગ કર્યું અને તેને નીચે પાડી કાબૂમાં લઈ લીધો.
ફાયરિંગની ઘટના બાદ ઇજાગ્રસ્ત કફીલ અને ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત થયેલા PSIને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ આ ઘટનાની તપાસ કરી રહી છે.