સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: ડ્રગ્સ કેસના આરોપીના પગમાં ગોળી, એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: ડ્રગ્સ કેસના આરોપીના પગમાં ગોળી, એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત

અમદાવાદમાં 25 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીને ભાગવાના પ્રયાસ દરમિયાન પગમાં ગોળી વાગી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આરોપી કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારીને નિયમિત તબીબી તપાસ માટે લઈ જતા હતા ત્યારે આ ઘટના બની.

પોલીસના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.બી. આલ અને તેમની ટીમ સાંજે આશરે 4:30 વાગ્યે આરોપીને સાબરમતી રિવરફ્રન્ટ નજીક લઈ જતી હતી. તે સમયે કફીલે ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં પોલીસ સાથે ઝપાઝપી થઈ. આ દરમિયાન થયેલા ફાયરિંગમાં કફીલને પગમાં ગોળી વાગતાં તે ઘાયલ થયો. આ ઘટનામાં પીએસઆઈ રાવલ પણ ઈજાગ્રસ્ત થયા છે.

આ કેસની શરૂઆત સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીથી થઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાને જાણ થઈ કે વર્ષોથી જેલમાં કેદ અને પેરોલ પર છૂટેલો કફીલ અહેમદ દિલ્હીથી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ થઈ રાજકોટ જવાનો છે. આ માહિતીના આધારે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને જાણ કરવામાં આવી અને ક્રાઈમ જેસીપી શરદ સિંઘલ તથા ડીસીપી અજી રાજીયન સાથે બેઠક યોજાઈ.

બેઠક બાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પી.એમ. ધાકડા અને વી.બી. આલની બે ટીમો તૈયાર કરવામાં આવી. સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એસ.એન. પરમાર પણ પોતાની ટીમ સાથે અમદાવાદ પહોંચ્યા હતા.

20 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમો અલગ-અલગ છ ગાડીઓમાં CTM એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસે પહોંચી હતી. ત્રણેય ટીમના પીઆઈ અને તેમના સાથીદારો 200-200 ફૂટના અંતરે અલગ-અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. લગભગ 8:45 વાગ્યાની આસપાસ દિલ્હી પાસિંગની કાળા રંગની XUV કાર આવી.

ત્રણેય પીઆઈએ ઈશારો કરીને ગાડી ઊભી રાખવાની ગોઠવણ કરી. ક્રાઈમ બ્રાન્ચે XUV કારમાંથી 25.71 કરોડની કિંમતના હેરોઈન અને એમડી ડ્રગ્સ સાથે દિલ્હીના ત્રણ સપ્લાયરોને ઝડપી લીધા હતા. આરોપીઓમાં કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારી, તિફેલ નોખેજ અને મોહમ્મદ ઈમરાન ઉર્ફે રાજા અલવીનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

કારની સીટ નીચેથી ચોકલેટના પેકેટમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે વધુ તપાસ ચાલુ છે.