અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રૂ. 25 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી કફિલ અહેમદ પર સાબરમતી રિવરફ્રન્ટ નજીક ફાયરિંગ કર્યું છે. પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેના પગમાં ગોળી મારી હતી.
મળતી વિગતો અનુસાર, આરોપી કફિલ અહેમદને નિયમિત મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. સાંજે આશરે 4:30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ નજીક પહોંચતાં તેને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ વચ્ચે ઝપાઝપી થઈ હતી. સ્થિતિ કાબૂમાં ન રહેતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી કફિલના પગમાં વાગી હતી.
ઈજાગ્રસ્ત કફિલ અહેમદને તાત્કાલિક સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.