અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દિલ્હીમાં સક્રિય આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં 25.65 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હેરોઇન અને એમ.ડી. ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીઓ ડ્રગ્સના વેચાણમાંથી મળતા નાણાં હવાલા મારફતે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે મોકલતા હતા. આ શંકાને પગલે ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તપાસ પર ગાંધીનગર અને દિલ્હી કક્ષાએથી સીધું નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓ અફઘાનિસ્તાનના આંતરરાષ્ટ્રીય હેરોઇન માફિયા રહેમત ગુલ સાથે સીધા સંપર્કમાં હતા. તેઓ તેમના દ્વારા ડ્રોન મારફતે પંજાબ સરહદે ઉતારવામાં આવતું કન્સાઇનમેન્ટ મેળવતા હતા. આ ડ્રગ્સની સપ્લાય ચેઇન દેશમાં ક્યાં સુધી ફેલાયેલી છે તેની તપાસ ચાલી રહી છે. ઉપરાંત, ડ્રગ્સના નાણાં અફઘાનિસ્તાન કયા માધ્યમથી પહોંચાડવામાં આવતા હતા અને આ સિન્ડિકેટને સ્થાનિક સ્તરે આર્થિક રોકાણ કોણ પૂરું પાડતું હતું તેની નાણાકીય તપાસ પણ હાથ ધરાઈ છે.
આરોપીઓ ભૂતકાળમાં ડ્રગ્સ કેસમાં પકડાયા હોવા છતાં પુનઃ કાર્ટેલ ઊભી કરીને દેશભરમાં સપ્લાય શરૂ કરી હોવાની વિગતો મળી છે. આ સંદર્ભમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ગુજરાત એટીએસ અને અન્ય રાજ્યોની પોલીસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચીને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે.
આરોપીઓની પૂછપરછમાં એવી કબૂલાત થઈ છે કે જપ્ત કરાયેલા હેરોઇન અને એમ.ડી. ડ્રગ્સની ડિલિવરી રાજકોટના રહેવાસી અસલમ નામના શખ્સને આપવાની હતી. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત, ગુજરાતમાં અન્ય 7 સ્થળોએ પણ ડ્રગ્સ પહોંચાડવાનું હોવાનું સામે આવતાં ક્રાઇમ બ્રાન્ચે તે તમામ સ્થાનો પર સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી છે, જેમાં રાજ્યના અનેક સપ્લાયરો અને પેડલરોના નામ-કોડ નોંધાયેલા છે. તેના આધારે તપાસને કેન્દ્રિત કરવામાં આવી છે.
દિલ્હીની આંતરરાજ્ય ડ્રગ કાર્ટેલ ઝડપાઈ જતાં અમદાવાદ સહિત રાજ્યભરના સ્થાનિક ડ્રગ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પકડાયા બાદ પોલીસે રિટેલ સપ્લાયરો અને કડીરૂપ લિંક્સ તોડવા માટે શહેરભરમાં કાર્યવાહી શરૂ કરી છે, જેને પગલે નાના-મોટા સપ્લાયરો ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું મનાય છે.