સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: રિવરફ્રન્ટ પાસે ડ્રગ્સ આરોપી ભાગ્યો, ક્રાઈમ બ્રાન્ચે પગમાં મારી ગોળી

અમદાવાદ: રિવરફ્રન્ટ પાસે ડ્રગ્સ આરોપી ભાગ્યો, ક્રાઈમ બ્રાન્ચે પગમાં મારી ગોળી

અમદાવાદમાં 25.64 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસના મુખ્ય આરોપી કફીલ અહેમદે ગુરુવારે રૂટિન મેડિકલ ચેકઅપ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી પોલીસ જાપ્તામાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને નાસતો રોકવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેના પગમાં ગોળી મારી હતી.

ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયેલા કફીલ અહેમદને તાત્કાલિક અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલમાં ત્યાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સારવાર ચાલી રહી છે.

આ કેસની તપાસમાં પ્રાથમિક માહિતી મુજબ ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક ગુજરાત પૂરતું મર્યાદિત નથી. આરોપીઓ અગાઉ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરી ચૂક્યા છે. નાગપુરમાં નેટવર્ક ઊભું કર્યા બાદ તેઓએ ગુજરાતમાં પ્રવેશ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પ્રાથમિક વિગતો મુજબ મુખ્ય સપ્લાયર તરીકે રહેમત ગુલ નામના શખ્સનું નામ સામે આવ્યું છે. તે અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે ભારતમાં ડ્રગ્સનો જથ્થો મોકલતો હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. કફીલ અહેમદ ડ્રોનથી આવેલો જથ્થો એકત્ર કરી આગળ પહોંચાડવાની જવાબદારી સંભાળતો હતો.

આ કેસના આંતરરાષ્ટ્રીય સંબંધોને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત એટીએસ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પણ તપાસમાં જોડાયા છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સંયુક્ત રીતે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સમાં સ્થાનિક સ્તરે અન્ય કોણ સંડોવાયેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય દેશના અન્ય કયા રાજ્યોમાં આ સિન્ડિકેટ સક્રિય છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.