અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે 22 ઓક્ટોબરે એક્સપ્રેસ હાઇવે પરથી રૂ. 25.71 કરોડની કિંમતના હેરોઇન અને એમડી ડ્રગ્સ સાથે દિલ્હીના ત્રણ સપ્લાયરને ઝડપી લીધા છે. આ સપ્લાયરોએ દેશભરમાં ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાની શંકા છે, તેથી હવે સેન્ટ્રલ એજન્સીઓ અમદાવાદ આવીને તેમની પૂછપરછ કરી રહી છે.
વડોદરાથી કારમાં ડ્રગ્સ અને હેરોઇન અમદાવાદ લાવવામાં આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં કફીલ અહેમદ, તિફલે નૌખેઝ અને મોહંમદ ઇમરાન ઉર્ફે રાજાને ઝડપી લેવામાં આવ્યા. આ ત્રણેય કારની સીટ નીચે અને ગુપ્ત ખાનામાં ચોકલેટ તથા એનર્જી ડ્રિંકની બોટલો વચ્ચે ડ્રગ્સ છુપાવીને લાવતા હતા. પોલીસે આખો જથ્થો જપ્ત કર્યો છે. આ કારણે આ ઓપરેશનને 'ચોકલેટ' નામ આપવામાં આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓ પૈકી તિફલે નૌખેઝ અગાઉ દિલ્હીમાં રૂ. 2,000 કરોડના હેરોઇન કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. તે સમયે તેની સાથે એક અફઘાનિસ્તાની સપ્લાયર પણ ઝડપાયો હતો. હવે પોલીસ તેના તમામ સંપર્કોની તપાસ કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં આ ત્રણેય અફઘાનિસ્તાનના આંતરરાષ્ટ્રીય હેરોઇન માફિયા રહેમત ગુલ સાથે સંકળાયેલા હોવાનું અને અફઘાનિસ્તાનથી હેરોઇન મંગાવતા હોવાનું સામે આવ્યું છે. તેમને દેશભરમાં ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાની વિગતો મળતાં વિવિધ રાજ્યોની પોલીસ તપાસ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી રહી છે. આ ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરો, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટીએસ (ATS) અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓ પણ તેમની પૂછપરછ કરી રહી છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ અગાઉ પણ અનેક વખત ગુજરાતમાં ડ્રગ્સ અને હેરોઇનની ડિલિવરી કરી હતી. તેઓ ડિલિવરી માટે મહિલાઓ, યુવતીઓ અને પરિવારોને મોકલતા હોવાની વિગતો પણ મળી છે. તેમણે અગાઉ કોને ડિલિવરી આપી હતી તેની તપાસ ચાલી રહી છે. હેરોઇનના નાણાં અફઘાનિસ્તાન કેવી રીતે મોકલવામાં આવતા હતા અને તેમનું ફાઇનાન્સ કોણ કરતું હતું તેની પણ તપાસ થઈ રહી છે.
આ સપ્લાયરોના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સાથેના સંપર્કો પણ સામે આવ્યા છે. પંજાબ સરહદ પરથી ડ્રોન મારફતે ડ્રગ્સ આવતું હોવાથી સરહદ પર ડ્રગ્સ મેળવનારા કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સિન્ડિકેટનાં મૂળ સુધી પહોંચીને તેનો પર્દાફાશ કરવા માટે ગાંધીનગર અને દિલ્હીથી તપાસનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ડ્રગ્સનો આ જથ્થો રાજકોટના અસલમ નામના ડ્રગ સપ્લાયર અને પેડલરે મંગાવ્યો હોવાની વિગતો સામે આવી છે. જેથી સ્થાનિક પોલીસના સંકલનથી અસલમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દિલ્હીથી હેરોઇન અને ગાંજો લાવેલા સપ્લાયરોએ સાત સ્થળે ડિલિવરી કરવાની હોવાની વિગતો મળતાં આ સાતેય સ્થળે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસને મળેલી ડાયરીમાં અનેક સપ્લાયરો અને પેડલરોની વિગતો હોવાથી તેની પણ તપાસ ચાલી રહી છે.
આ દરમિયાન અમદાવાદના જુહાપુરા, ફતેવાડી, સિંધુભવન રોડ, સરખેજ, મણિનગર, રામોલ અને નિકોલ જેવા વિસ્તારોમાં ડ્રગ્સના વેપાર અંગે પોલીસ તપાસ કરી રહી છે. મોટા ઓપરેશનને પગલે અમદાવાદના અનેક ડ્રગ પેડલરો ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાની ચર્ચા છે.