અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી સામે સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના એક્સપ્રેસ હાઇવે પર સીટીએમ ટોલનાકા નજીક 4.5 કિલો હેરોઈન અને 2.5 કિલો MD ડ્રગ્સ મળી આવ્યા છે. આ જથ્થાની કિંમત 25 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.
આરોપીઓમાં દિલ્હીના તિફેલ નોખેજ, મેરઠના મોહમ્મદ ઇમરાન અલ્વી અને દિલ્હીના કફીલ અહેમદનો સમાવેશ થાય છે. તપાસમાં ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાન સાથે જોડાયેલા ડ્રગ્સ નેટવર્ક મારફતે ભારતમાં લાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પંજાબ સરહદે ડ્રોન મારફતે ડ્રગ્સ મંગાવ્યા બાદ અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરવાની યોજના હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રગ્સનો જથ્થો દિલ્હીથી રાજકોટ લઈ જવાનો હતો અને રાજકોટના ડ્રગ્સ માફિયા અસલમ સાથે આ મામલે કડી જોડાતી હોવાની તપાસ ચાલી રહી છે. પકડાયેલ ડ્રગ્સ પેડલર જુહાપુરાના વ્યક્તિ સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં ડ્રગ્સ પહોંચાડવાનું આયોજન હોવાની પણ વિગતો સામે આવી છે.
આરોપીઓએ એનર્જી ડ્રિંક્સ અને ચોકલેટનાં પેકેટની આડમાં ડ્રગ્સ છુપાવ્યું હતું. તપાસમાં રાજસ્થાન, દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સુધી ફેલાયેલા નેટવર્કની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડ્રગ્સની હેરાફેરી માટે એજન્ટો, મહિલાઓ અને નશાના બંધાણી વ્યક્તિઓનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે.
ત્રણેય આરોપીઓ અમદાવાદમાં એક દિવસ રોકાવાના હતા અને ત્યારબાદ ડ્રગ્સનો જથ્થો આગળ પહોંચાડવાનો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ કાર્ટેલ, તેના સપ્લાયરો અને સ્થાનિક ડીલરો અંગે વધુ તપાસ હાથ ધરી છે.