અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સુરત ક્રાઈમ બ્રાંચ સાથે સંયુક્ત ઓપરેશન કરીને 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું છે. સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મૂળ દિલ્હી અને ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ ગુજરાતના અલગ-અલગ સ્થળો પર મોકલવાનું હતું.
પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, રહે. નવી દિલ્હી) સામેલ છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઈન અને 2019માં 300 કિલો હેરોઈનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવે છે.
બીજો આરોપી મોહમ્મદ ઈમરાન અલ્વી (ઉંમર 38, રહે. મેરઠ, ઉત્તરપ્રદેશ) છે, જે છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. જ્યારે ત્રીજો આરોપી કફીલ અહેમદ (ઉંમર 59, રહે. નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.
આ ત્રણેય પાસેથી પોલીસે કુલ 2497.490 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (જેની કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને 4531.220 ગ્રામ હેરોઈન (જેની કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે.
અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી આ આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું છે. પોલીસે કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.