અમદાવાડના ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ-1 (DRT-1) ના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલકુમાર ગુપ્તા સામે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી રાજેશકુમાર યાદવે તેમના વકીલ મારફતે કરી છે. આરોપ છે કે હાઈકોર્ટના આદેશનું પાલન ન કરીને કેસ 3 વર્ષથી વધુ સમય સુધી પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.
અરજદારના જણાવ્યા અનુસાર, ગુજરાત હાઈકોર્ટે 4 ઓગસ્ટ 2023ના રોજ એક સ્પેસિફિક સિવિલ એપ્લિકેશનમાં DRT-1 અમદાવાદને અરજદારની સિક્યોરિટાઇઝેશન એપ્લિકેશનનો ઝડપી નિકાલ કરવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સમયમર્યાદા અને દિશા-નિર્દેશો પણ આપ્યા હતા. પરંતુ આ આદેશને 3 વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં DRT-1 સમક્ષ કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી અને કાર્યવાહી અટકેલી સ્થિતિમાં છે.
અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે આ બાબત માત્ર કેસમાં થતા વિલંબ પૂરતી મર્યાદિત નથી, પરંતુ હાઈકોર્ટના સ્પષ્ટ અને બંધનકર્તા આદેશના અમલીકરણ અને પાલન સાથે સંબંધિત છે. હાઈકોર્ટના આદેશનું સમયસર પાલન ન થવાને કારણે આ અવમાનની અરજી દાખલ કરવાની ફરજ પડી હોવાનું અરજદારે જણાવ્યું છે.
આ કન્ટેમ્પ્ટ પિટિશન આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુનાવણી માટે બોર્ડ પર આવે તેવી શક્યતા છે. અરજદાર પક્ષે હાઈકોર્ટના 4 ઓગસ્ટ 2023ના મૂળ આદેશ અને કન્ટેમ્પ્ટ અરજીના દસ્તાવેજો રજૂ કર્યા છે.