અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય દીપિકાએ પતિના શારીરિક અને માનસિક ત્રાસ તથા દહેજની માંગણીથી કંટાળીને 15 ઓક્ટોબરે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના પિતા દિનેશભાઈ પવારે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં જમાઈ હાર્દિક બોડાણા સામે આત્મહત્યા માટે મજબૂર કરવા અને દહેજ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી અને કલરકામ કરતા દિનેશભાઈ પવારની દીકરી દીપિકાના લગ્ન 31 જાન્યુઆરી 2024ના રોજ જશોદાનગરના શિવાનંદ બંગ્લોઝમાં રહેતા હાર્દિક સંજય બોડાણા સાથે થયા હતા. લગ્ન બાદ બંને કંપની તરફથી નોકરી માટે લંડન ગયા હતા. જોકે, 10 મહિના પછી ત્યાં કંપની બંધ થઈ જતાં બંને અમદાવાદ પરત ફર્યા હતા.
અમદાવાદ આવ્યા બાદ હાર્દિક કોઈ નોકરી કે ધંધો કરતો નહોતો અને સટ્ટા રમવાની લતે ચડી ગયો હતો. સટ્ટામાં મોટી રકમ હારી જતાં તે પૈસા બાબતે અને નાની-નાની વાતોમાં દીપિકા પર શંકા કરીને તેની સાથે મારઝૂડ કરતો હતો.
ઘરખર્ચ ચલાવવા માટે દીપિકાએ વસ્ત્રાલ વિસ્તારમાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યા હતા. પરંતુ પતિ હાર્દિક તેનો પગાર પણ પડાવી લેતો હતો અને 'તારા બાપાએ દહેજમાં કંઈ આપ્યું નથી' કહીને મેણાં મારતો હતો તથા પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો. અગાઉ પણ તેણે દીપિકાને માર મારીને ઘરની બહાર ઓસરીમાં સૂવા મજબૂર કરી હતી.
આખરે અસહ્ય ત્રાસથી કંટાળીને દીપિકાએ 15 ઓક્ટોબરે બપોરે પોતાના બેડરૂમમાં સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. વટવા GIDC પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યા કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી. જો તમે અથવા તમારા પરિચિત કોઈ વ્યક્તિ માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.