અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અને આઈટી કંપનીમાં નોકરી કરતી 32 વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ દહેજ પેટે એપલ મોબાઈલ અને એસી જેવી વસ્તુઓની માંગણી કરવામાં આવી અને વિદેશ પ્રવાસનો ખર્ચ પિતા પાસે કરાવવામાં આવ્યો. સંતાન પ્રાપ્તિ માટે IVF ટ્રીટમેન્ટ કરાવવાનો ઇનકાર કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ફરિયાદ અનુસાર, ઘાટલોડિયામાં રહેતી અને એમબીએ થયેલી યુવતીના લગ્ન નવેમ્બર 2021માં સામાજિક રીતરિવાજ મુજબ વસ્ત્રાપુર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ જાન્યુઆરી 2022માં માલદીવ્સ હનીમૂન માટે ગયા ત્યારે પતિએ કહ્યું હતું કે 'હનીમૂનનો ખર્ચ તારા પિતાએ જ આપવો પડે'. યુવતીના પિતાએ તમામ ખર્ચ ભોગવ્યો હતો. ત્યારબાદ નવેમ્બર 2022માં પ્રથમ લગ્નવર્ષ દિવસે દુબઈ તથા વર્ષ 2023માં હોંગકોંગ અને ગોવા પ્રવાસ દરમિયાન પણ પતિએ હોટેલ બુકિંગ સહિતનો અડધો ખર્ચ પરિણીતા પાસેથી જ કરાવ્યો હતો. પરિણીતા નોકરી કરતી હોવાથી ઘરકામ અને સાસુ-સસરાની સેવા કરવા છતાં તેનું આર્થિક શોષણ કરી પગારના નાણાં આપી દેવા દબાણ કરવામાં આવતું હતું.
લગ્નજીવન દરમિયાન સંતાનપ્રાપ્તિ માટે IUI ટ્રીટમેન્ટ નિષ્ફળ જતાં પરિણીતાના તમામ મેડિકલ રિપોર્ટ સામાન્ય હોવા છતાં પતિએ આગળ IVF ટ્રીટમેન્ટ કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વર્ષ 2025ની શરૂઆતથી પતિએ શારીરિક-માનસિક અંતર રાખી વાતચીત બંધ કરી દીધી હતી. ઓક્ટોબર 2025માં પતિએ 'તને પત્ની તરીકે રાખવી નથી' તેમ કહી છૂટાછેડા આપી ઘર છોડી જવાનું કહીને મારઝૂડ કરી હતી. આ દરમિયાન સાસુએ પણ પુત્રનો પક્ષ લઈ ત્રાસ આપ્યો હતો.
પિતા પાસેથી એસી અને એપલ ફોન અપાવ્યા બાદ પણ સાસરિયાંનો ત્રાસ ચાલુ રહ્યો હતો. ડિસેમ્બરમાં પરિણીતાનું બ્લડ પ્રેશર ઘટી જતાં પિતા તેને સારવાર માટે ઘરે લઈ ગયા હતા. બાદમાં સમાધાન માટે પહોંચેલા પિતા-પુત્રીને ગાળો આપી કાઢી મૂકાયા હતા. આખરે કંટાળીને પરિણીતાએ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.