સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દીકરીના જન્મ બાદ દહેજ માટે મારઝૂડ, જાતિના નામે અપમાન

અમદાવાદમાં દીકરીના જન્મ બાદ દહેજ માટે મારઝૂડ, જાતિના નામે અપમાન

અમદાવાદમાં 38 વર્ષીય પરિણીતાએ પતિ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીના જન્મ બાદ પતિ દહેજની માંગણી કરી, પૈસા અને દાગીના લાવવા દબાણ કરતો હતો. એટલું જ નહીં, પતિ જાતિના નામે અપમાનિત કરી મારઝૂડ કરતો હતો. સમાધાન બાદ પણ વર્તન ન સુધરતાં પરિણીતા 11 મહિનાથી પિયરમાં રહે છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં માતા અને ત્રણ ભાઈઓ સાથે રહેતી 38 વર્ષીય પરિણીતાના લગ્ન 1 મે, 2022ના રોજ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રણેલા ગામના યુવક સાથે હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન સમયે પરિણીતાની માતાએ પોતાની યથાશક્તિ પ્રમાણે કપડાં-લત્તાં અને સ્ત્રીધન આપ્યું હતું.

શરૂઆતમાં લગ્નજીવન સામાન્ય રીતે ચાલતું હતું, પરંતુ દીકરીના જન્મ બાદ પતિનું વર્તન બદલાઈ ગયું હતું. તે નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો બોલતો અને ગડદાપાટુનો માર મારતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પતિના આ વર્તનથી કંટાળીને પરિણીતાએ બે વર્ષ પહેલાં મહેસાણા અને મહિલા મંડળમાં અરજી કરી હતી. તે સમયે પતિએ હવે પછી સારી રીતે રાખવાની ખાતરી આપતાં સમાધાન થયું હતું અને પરિણીતા ફરી સાસરે રહેવા ગઈ હતી. જોકે, આ સમાધાન લાંબું ટક્યું નહીં.

પતિએ ત્રણેક મહિના સારી રીતે રાખ્યા બાદ ફરી ઝઘડા અને મારઝૂડ શરૂ કર્યાનો આક્ષેપ છે. આ દરમિયાન પતિ તેને પિયરમાંથી પૈસા અને દાગીના લઈ આવવા દબાણ કરતો હતો. 'તારા પિયરમાંથી કંઈ લાવેલ નથી, તારી માતા અને ભાઈઓ પાસેથી પૈસા તથા દરદાગીના લઈ આવ' તેમ કહી મહેણાં-ટોણાં મારતો હતો. આ ઉપરાંત જાતિનો ઉલ્લેખ કરી અપમાનજનક શબ્દો બોલતો હોવાનો પણ પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

વારંવારના ઝઘડા અને મારઝૂડથી કંટાળીને પરિણીતા આશરે 11 મહિના પહેલાં પોતાની બે વર્ષની દીકરીને લઈને અમદાવાદમાં માતા અને ભાઈઓના ઘરે આવી ગઈ હતી. આખરે 12 નવેમ્બર, 2026ના રોજ તેણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પતિ વિરુદ્ધ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમો તેમજ એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.