સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નવરાત્રિ પહેલાં ઓઢવ અને નારોલમાં બે યુવકોની હત્યા, સગીરો સહિત આરોપીઓ ઝડપાયા

અમદાવાદમાં નવરાત્રિ પહેલાં ઓઢવ અને નારોલમાં બે યુવકોની હત્યા, સગીરો સહિત આરોપીઓ ઝડપાયા

અમદાવાદમાં નવરાત્રિ પર્વ શરૂ થાય તે પહેલાં શહેરના પૂર્વ વિસ્તારમાં શુક્રવારે રાત્રે બે અલગ-અલગ હત્યાની ઘટનાઓ સામે આવી છે. નારોલ અને ઓઢવ વિસ્તારમાં થયેલી આ ઘટનાઓમાં બે યુવકોના મોત થયા છે. બંને કેસમાં સગીરોની સંડોવણી સામે આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને સગીરો સહિત આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નારોલ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા સુધીર યાદવ શુક્રવારે તેમના પિતરાઈ ભાઈ-ભાભીને મળવા ગયા હતા. તે સમયે રાધેશ્યામ પાસવાન સાથે ગેટ બંધ કરવાની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને ગાળાગાળી થઈ હતી. પ્રાથમિક વિવાદ બાદ સુધીર ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં તેઓ પોતાનું વાહન લેવા માટે તેમના સાળા વિજયકાંત સાથે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં રાધેશ્યામ અને તેના સગીર સંબંધી સાથે ફરી ઝઘડો થયો હતો. આ દરમિયાન સગીરે વિજયકાંતની છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિજયકાંતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નારોલ પોલીસે સગીર સહિત બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને ઝડપી પાડ્યા છે.

ઓઢવ વિસ્તારમાં રહેતા અને ડેકોરેશનનું કામ કરતા અજીત કુમાર ઠાકોર શુક્રવારે રાત્રે તેમના મિત્રો રમણ અને યુવરાજ સાથે ઢોંસા ખાવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ટુ-વ્હીલર પર આવેલા ત્રણ સગીરોએ તેમને અટકાવ્યા હતા. અગાઉ યુવતીની છેડતી મુદ્દે થયેલી તકરારની અદાવત રાખીને સગીરોએ અજીત સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને છરી તેમજ દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે અજીતનું મોત થયું હતું. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મૃતકના ભાઈ રણજીત ઠાકોરની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે ત્રણ સગીરો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.