અમદાવાદની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલું હિંસાના એક કેસમાં પીડિત પત્નીને રાહત આપતો ચુકાદો આપ્યો છે. કોર્ટે પતિને પત્નીને દર મહિને 11,000 રૂપિયા ભરણપોષણ અને 20,000 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ સાથે કોર્ટે મહિલાના રક્ષણ માટે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને પ્રોટેકશન ઓફિસરને યોગ્ય પગલાં લેવાનું કહ્યું છે.
વાસણા બસ સ્ટેન્ડ પાછળ રહેતી કિરણ ઉમેશભાઈ ધોબીએ પતિ ઉમેશ મુળચંદભાઈ ધોબી અને સાસરિયાઓ સામે ઘરેલું હિંસાની ફરિયાદ કોર્ટમાં કરી હતી. તેમના વકીલે રજૂ કર્યું કે, 3 ડિસેમ્બર 2019ના રોજ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં રહેતા ઉમેશ ધોબી સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન વખતે મહિલાના પિતાએ ઘરવખરીનો સામાન, 5 લાખ રૂપિયા રોકડા અને 12 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના આપ્યા હતા.
લગ્નના 15 દિવસ બાદ પતિ જયપુરમાં નોકરી કરતો હોવાથી એકલો ગયો હતો. થોડા સમય પછી પતિ અને સાસરિયાઓએ પરિણીતાને કહ્યું કે, 'તારે પતિ સાથે જયપુરમાં રહેવું હોય તો ઘર લેવા માટે તારા પિતા પાસેથી 15 લાખ રૂપિયા લઈ આવ.' આમ, પતિ અને સાસરિયાઓએ મહિલાને મેણાં-ટોણાં મારીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
એક રાત્રે પતિ ઉમેશ નશાના હાલમાં આવીને પત્નીને કહેવા લાગ્યો કે, 'મારે તારી સાથે લગ્ન કરવાનો કોઈ રસ ન હતો. મેં તો તારા માતા-પિતા અને સમાજના દબાણને કારણે લગ્ન કર્યા છે. જયપુરમાં જે છોકરી ગમે છે તેની સાથે રહું છું. તું સામાજિક રીતે મારી પત્ની છે, બાકી તારી કોઈ હેસિયત એક કામવાળીથી વધારે નથી.'
કોર્ટે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓ ધ્યાનમાં લીધા બાદ જણાવ્યું કે, અરજદાર મહિલા સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપીને ઘરેલું હિંસા આચરવામાં આવી હોવાનું પુરાવાઓથી સાબિત થાય છે. તેથી, મહિલાએ ભોગવેલી વ્યથાને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાનો હુકમ ન્યાયોચિત છે.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિપુલકુમાર જોષીએ પતિને મકાન ભાડા પેટે દર મહિને 3,000 રૂપિયા અને જીવનનિર્વાહ પેટે 8,000 રૂપિયા મળીને કુલ 11,000 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. ઉપરાંત, માનસિક ત્રાસ બદલ 20,000 રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે મહિલાના રક્ષણ માટે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને પ્રોટેકશન ઓફિસરને યોગ્ય પગલાં લેવાનું જણાવ્યું છે.