અમદાવાદમાં ઘરેલુ હિંસાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. 181 મહિલા હેલ્પલાઇનના છેલ્લા ત્રણ વર્ષના સત્તાવાર આંકડા મુજબ, શહેરમાં કુલ 24,136 ઇમરજન્સી કોલ નોંધાયા છે. તેમાંથી 12,721 કિસ્સા એટલે કે 52 ટકાથી વધુ કેસ પતિ કે સાસરિયાં દ્વારા થતી શારીરિક મારપીટ અને ઘરેલુ હિંસાના છે.
આ ઉપરાંત ગાળાગાળી અને માનસિક ત્રાસના 3,984 કિસ્સા નોંધાયા છે. પારિવારિક વિવાદ ચરમસીમાએ પહોંચતાં 1,365 પરિણીતાઓને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી, જેના કારણે તેઓ બેઘર બની ગઈ છે.
શહેરમાં વર્ષ 2024માં ઘરેલુ હિંસાના 4,721, વર્ષ 2025માં 4,489 અને વર્ષ 2026માં 3,511 કોલ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે 2026ના આંકડા વર્ષ પૂર્ણ થયા પહેલાના છે.
શહેરી જીવનશૈલીમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ તથા લગ્નેતર સંબંધોને કારણે 1,168 પરિવારોમાં તિરાડ પડી છે. તેમાં 2024માં 452, 2025માં 392 અને 2026માં 324 કિસ્સા સામે આવ્યા છે.
બાળકોની કસ્ટડીને લગતા વિવાદોમાં પણ હેલ્પલાઇનને દરમિયાનગીરી કરવી પડી છે. બાળકને મળવા ન દેવા કે બળજબરીથી છીનવી લેવાના 2024માં 283, 2025માં 234 અને 2026માં 197 મળીને કુલ 714 બનાવોમાં રેસ્ક્યૂ વાન અને કાઉન્સેલર્સની ટીમે ઘટનાસ્થળે જઈને દરમિયાનગીરી કરી છે.
મનોવિજ્ઞાનીઓના મતે, દંપતી વચ્ચે સંવાદ ઘટતો જાય છે અને ભાવનાત્મક અંતર વધે છે. આ અંતરને કારણે ઘણા લોકો સાથી પર માનસિક કાબૂ મેળવવા માટે શારીરિક બળ કે ગાળાગાળીનો સહારો લે છે. સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના કારણે બહાર માન્યતા શોધવાની વૃત્તિ વધી છે, જે અવિશ્વાસ અને છેવટે મારપીટ તરફ દોરી જાય છે.
આર્થિક તણાવ, મોંઘવારી, લોનના હપ્તા અને વ્યસન પણ હિંસા માટે જવાબદાર છે. પુરુષોમાં વધતો તણાવ દારૂ કે જુગાર જેવા વ્યસનમાં પરિણમે છે અને તેનો ગુસ્સો પત્ની પર ઊતરે છે. કસ્ટડીના વિવાદમાં બાળક લાગણીના બદલે સામેવાળાને સજા કરવાનું હથિયાર બની જાય છે, જેની અસર બાળકના માનસ પર લાંબા સમય સુધી રહે છે.
આ સ્થિતિ અટકાવવા માટે દંપતીએ દરરોજ 20-30 મિનિટ સ્માર્ટફોન અને ટીવી બંધ રાખીને એકબીજા સાથે ખુલીને વાત કરવી જોઈએ. ગુસ્સો આવે ત્યારે શાંત થવા માટે થોડો વિરામ લેવો અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ લેવી ઉપયોગી થઈ શકે છે.