અમદાવાદ: શહેરમાં શ્વાન કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. એક વર્ષમાં 77,019 કેસ નોંધાયા છે, જે દરરોજ સરેરાશ 211 લોકોને શ્વાન કરડ્યા હોવાનું દર્શાવે છે. ગત વર્ષે આ આંકડો 60 હજાર હતો, એટલે કે એક જ વર્ષમાં 29%નો વધારો થયો છે.
શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.35 લાખ શ્વાનના ખસીકરણ પાછળ 10 કરોડ રૂપિયા ખર્ચ થયા છે, તો પણ કેસ ઘટવાનું નામ લેતા નથી.
28 સપ્ટેમ્બરને વિશ્વ હડકવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજીના 2024ના અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે 5,726 લોકો હડકવાથી મૃત્યુ પામે છે. જ્યારે કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા મુજબ 2024માં 54 મૃત્યુ નોંધાયા છે. નિષ્ણાતોના મતે આ તફાવતનું કારણ હડકવાના મૃત્યુનું અંડર રિપોર્ટિંગ છે. WHO પણ સ્વીકારે છે કે ભારતમાં આ રોગનો વાસ્તવિક ભાર સત્તાવાર આંકડા કરતાં ઘણો વધુ હોઈ શકે છે.
અમદાવાદમાં આ વર્ષે નોંધાયેલા શ્વાન કરડવાના માસિક કેસ:
- જાન્યુઆરી: 8,658
- ફેબ્રુઆરી: 7,773
- માર્ચ: 8,186
- એપ્રિલ: 7,830
- મે: 7,389
- જૂન: 6,818
શ્વાન, બિલાડી, વાંદરો કે અન્ય સ્તનધારી પ્રાણી કરડે તો લક્ષણો દેખાય તેની રાહ ન જોવી. તરત જ 15 મિનિટ સુધી સાબુ અને વહેતા પાણીથી ઘા ધોઈને રેબીઝની રસી લેવી જોઈએ.
હડકવાના લક્ષણો:
- શરૂઆતમાં: તાવ, માથાનો દુખાવો, થાક, નબળાઈ, ગભરામણ, ચિંતા, ચીડિયાપણું, ઊંઘમાં તકલીફ, ભૂખ ઓછી થવી, ઈજાના સ્થળે દુખાવો, ખંજવાળ કે ઝણઝણાટી.
- ગંભીર સ્થિતિમાં: પાણી પીવામાં તકલીફ, પાણીથી ગભરાટ, હવા લાગવાથી ગળામાં ખેંચાણ, ગળામાં ભારે મુશ્કેલી, વધુ લાળ પડવી, અવાજ કે પ્રકાશ પ્રત્યે અસહજતા, બેચેની, ગૂંચવણ, ભ્રમ, આક્રમકતા અથવા અસામાન્ય વર્તન, શરીરના કેટલાક ભાગોમાં નબળાઈ કે લકવો.
- અંતિમ તબક્કો: શ્વાસ લેવામાં ભારે તકલીફ અને કોમા.