સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં પત્ની પર શંકા પડતાં ડોક્ટર પતિએ જાસૂસ રાખ્યો, કાફેમાં ફોટા મળ્યા બાદ છૂટાછેડા સુધી વાત પહોંચી

અમદાવાદમાં પત્ની પર શંકા પડતાં ડોક્ટર પતિએ જાસૂસ રાખ્યો, કાફેમાં ફોટા મળ્યા બાદ છૂટાછેડા સુધી વાત પહોંચી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક ડોક્ટરે પત્નીના વર્તનમાં થયેલા ફેરફારને કારણે શંકા પડતાં ખાનગી જાસૂસની મદદ લીધી હતી. આ મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો, પરંતુ અભયમ ટીમની સમજાવટ બાદ દંપતીએ સમાધાન કરી લીધું હતું.

ડો. રાકેશ (નામ બદલ્યું છે)ના પત્ની તરુણા (નામ બદલ્યું છે)નું વર્તન છેલ્લા કેટલાક સમયથી બદલાયું હતું. પત્નીનો મોબાઈલ ચેક કરતાં સોશિયલ મીડિયાની કોઈ હિસ્ટ્રી મળતી નહોતી. આથી ડો. રાકેશને શંકા થઈ અને તેણે પત્નીની ગતિવિધિ પર દેખરેખ રાખવા માટે રૂપિયા 80 હજારની ફી ચૂકવીને ખાનગી જાસૂસની મદદ લીધી.

જાસૂસે તપાસ કરીને પુરાવા એકઠા કર્યા, જેમાં ડોક્ટરની શંકા સાચી પડી. તરુણા જ્યારે તેના પ્રેમીને મળવા એક કાફેમાં ગઈ ત્યારે જાસૂસે તેના ફોટા પાડી લીધા અને ડો. રાકેશને પહોંચાડ્યા.

પુરાવા મળતાં જ બંને વચ્ચે ઝઘડો થયો અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. તરુણાએ અભયમની મદદ માગી. અભયમ ટીમે કાઉન્સલિંગ કર્યું તો તરુણાએ આરોપ મૂક્યો કે ડોક્ટર પતિ ઘરમાં પૂરતો સમય નથી આપતો. તેણે એ પણ દાવો કર્યો કે જે ફોટોગ્રાફ રજૂ કરવામાં આવ્યા છે તે AIની મદદથી બનાવવામાં આવ્યા છે. જોકે, વધુ પૂછપરછમાં તેણે ફોટોગ્રાફ સાચા હોવાનું સ્વીકાર્યું અને કહ્યું કે પતિ પૂરતો સમય ન આપતો હોવાથી તે ભાવનાત્મક રીતે અન્ય વ્યક્તિના સંપર્કમાં આવી હતી.

અભયમ ટીમે બંનેનું કાઉન્સલિંગ કરીને સમજ આપી કે માત્ર સોશિયલ મીડિયાની ચેટ કે અવિશ્વાસના આધારે સંસાર બગાડવા કરતાં એકબીજાને પૂરતો સમય આપવો અને પરસ્પર પ્રેમ જાળવીને સંબંધ સુધારવો વ્યાજબી છે. આથી મામલો થાળે પડ્યો.

આ અગાઉ અમદાવાદમાં જ એક 24 વર્ષીય યુવતી ઇન્સ્ટાગ્રામ પરથી એક યુવકના સંપર્કમાં આવી હતી. થોડા સમયમાં મિત્રતા પ્રેમમાં પરિણમી અને પરિવારના વિરોધ વચ્ચે યુવતીએ ઘર છોડીને પ્રેમી સાથે રહેવા લાગી અને કોર્ટમેરેજ પણ કરી લીધા. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું, પરંતુ થોડા મહિનામાં જ પ્રેમીનું અસલી સ્વરૂપ સામે આવ્યું અને તેણે યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું. ઝઘડા થવા લાગતાં યુવકે ત્રણ મહિના સુધી નશાની દવા ખબડાવીને યુવતીને અર્ધબેભાન હાલતમાં રાખી અને બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો. જ્યારે યુવતીએ વિરોધ કર્યો ત્યારે યુવકે કહ્યું કે, 'તું મારી પહેલી નહીં પણ 10મી પ્રેમિકા છે.'

યુવતીને માનસિક રીતે તોડવા માટે યુવકે અવનવા કીમિયા અપનાવ્યા અને ડરાવતા કહ્યું કે, 'તું ઘરેથી ભાગીને આવી છે, જેથી તારા માતા-પિતાએ તારા પર કાળા જાદુ કર્યા છે.' જ્યારે દવાની અસર ઓછી થઈ અને યુવતી હોશમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેની સાથે મોટો વિશ્વાસઘાત થયો છે. સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને યુવતીએ જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો અને કેનાલ પર પહોંચી ગઈ. સદ્ભાગ્યે ત્યાંથી પસાર થતા એક જાગૃત યુવકે તાત્કાલિક 181 મહિલા અભયમને જાણ કરી, જેથી અભયમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ અને યુવતીને આપઘાત કરતાં અટકાવીને બચાવી લીધી. ટીમે યુવતીનું સઘન કાઉન્સલિંગ કર્યું, જેથી તેના મનમાંથી આપઘાતનો વિચાર દૂર થયો. તેના માતા-પિતાને પણ બોલાવીને તેમનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું. યુવતીએ પ્રેમી સામે ફરિયાદ કરવાની ના પાડી અને માતા-પિતા સાથે જવાનું કહેતાં અભયમ ટીમે તેને સુરક્ષિત રીતે પરિવાર સાથે રવાના કરી.