સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના 88 વર્ષીય ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 8.05 કરોડની ઠગાઈ, મુખ્ય આરોપી સુરતથી ઝડપાયો

અમદાવાદના 88 વર્ષીય ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 8.05 કરોડની ઠગાઈ, મુખ્ય આરોપી સુરતથી ઝડપાયો

અમદાવાદના બોડકદેવ-પાલડી વિસ્તારમાં રહેતા 88 વર્ષીય ડૉ. હેમંત ભાસ્કરરાવ ઠાકોરને ઓગસ્ટ 2025માં અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કૉલ આવ્યા હતા. ઠગોએ પોતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુંબઈના અધિકારી તરીકે ઓળખ આપી હતી.

ઠગોએ ડૉક્ટરને ડરાવ્યા કે જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસની તપાસમાં તેમના કેનરા બેંક ખાતામાં રૂ. 5 લાખ જમા થયા છે અને તેઓ દેશવિરોધી ગુનામાં સંડોવાયેલા છે. તેમને દિલ્હી કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામના બનાવટી પત્રો, બનાવટી ડેબિટ કાર્ડ અને સરકારી સીલવાળા લેટર વોટ્સએપ પર મોકલીને માનસિક તણાવમાં મૂકી દીધા.

ઠગોએ ધમકી આપી કે "આ દેશવિરોધી ગંભીર કેસ છે, કોઈને વાત કરશો તો 40 દિવસ જેલમાં જવું પડશે" અને વીડિયો કૉલ પર 24 કલાક નજર હેઠળ રાખ્યા. આને 'ડિજિટલ અરેસ્ટ' કહેવાય છે. ત્યારબાદ ડૉક્ટરના ડિમેટ ખાતામાંના શેર વેચાવીને અને બેંક ખાતામાંથી RTGS મારફતે 7 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 8,05,50,000 (આઠ કરોડ પાંચ લાખ પચાસ હજાર) પડાવી લીધા.

આ કેસ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. છેલ્લા એક વર્ષથી ફરાર મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણ હબીભાઈ પીઠડીયા (37)ને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉધના દરવાજા ચાર રસ્તા નજીકથી ઝડપી પાડ્યો છે. તે મૂળ ભાવનગરના સેળાવદર-તળાજાનો રહેવાસી છે અને હાલ સુરતના ઉનગામમાં રહેતો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી સામે હરિયાણાના ગુરુગ્રામ સાયબર ક્રાઈમ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પણ એક વૃદ્ધ ડૉક્ટર સાથે રૂ. 3.03 કરોડની ડિજિટલ અરેસ્ટ ઠગાઈનો ગુનો નોંધાયેલો છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી એજન્સી (CBI, ED કે પોલીસ) ક્યારેય વોટ્સએપ કે વીડિયો કૉલ પર 'ડિજિટલ અરેસ્ટ' કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. જો કોઈ વીડિયો કૉલ પર પોલીસ કે સરકારી અધિકારી હોવાનું કહીને પૈસા માગે, તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કરવો.